Site icon Gujarat Mirror

વિમાધારકને કેન્સરની સારવારનો ખર્ચ 7.25 લાખ 6 ટકા વ્યાજ સાથે ચૂકવવા અદાલતનો આદેશ

રાજકોટમાં મેડીક્લેઇમ પોલીસીધારકને મોઢાના કેન્સરની સારવારનો થયેલો ખર્ચ મેળવવા કરેલી અરજી વીમા કંપનીએ નામંજુર કર્યાની ફરિયાદમાં ગ્રાહક કોર્ટે સારવાર ખર્ચનો મેડીક્લેમ રૂૂ.7.25 લાખ સમયસર છ ટકા વ્યાજે ન ચૂક્વે તો 9 ટકા વ્યાજ અને ખર્ચ સહિત હુકમ કર્યો છે.

આ અંગેની હકીકત મુજબ, રાજકોટના મહેશભાઈ રામજીભાઈ દોંગાએ બજાજ એલાયન્સ જનરલ ઈસ્યોરન્સ કુા. લી. પાસેથી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી લીધેલ. વીમા કંપની સમક્ષ પોલિસી લેતી વખતે પ્રપોઝલ ફોર્મમાં મહેશભાઈ દોંગાએ તેઓને તમાકુવાળો માવો ખાવાની ટેવ હોવાનું જાહેર કરેલ હતું. દરમિયાન મહેશભાઈ દોંગાને મોઢાનું કેન્સર ડિટેકટ થયેલ, તેઓએ અમદાવાદની એચસીજી હોસ્પિટલમાં કેન્સરની સારવાર લીધી હતી. જે સારવાર ખર્ચનો મેળવવા મહેશભાઈ દોંગાએ વીમા કંપની સમક્ષ મેડી કલેઈમ દાખલ કર્યો હતો. તેમાં વીમા કંપનીએ મહેશભાઈ દોંગાને તમાકુનું વ્યસન હતું તે કારણોસર વીમા કલેઈમની રકમ આપવા ઈનકાર કરેલ. જેથી મહેશભાઈ દોંગાએ રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ તેમના એડવોકેટ નીલેશ જી. પટેલ મારફત કરેલી ફરીયાદમાં એવી રજુઆત કરેલ કે પોલિસી લેતી વખતે મહેશભાઈ દોંગાએ જાહેર કરેલ છે કે તેઓને તમાકુવાળી ફાકી ખાવાની ટેવ હતી તેમજ સત્ય હકીકતો જાહેર કરી વીમા પ્રિમિયમની મોટી રકમ ચુકવી પોલિસી લીધેલ છે. મહેશભાઈ દોંગાએ પોલિસી લીધા બાદ તેઓને મોઢાનું કેન્સર હોવાનું જાણમાં આવતા હોસ્પિટલમાં સારવાર લીધેલ છે.

તેમજ મોઢાનું કેન્સર માત્ર તમાકુના વ્યસનથી જ થાય તેવો કોઈ મેડિકલ પુરાવો વીમા કંપની તરફથી રજુ કરવામાં આવેલ નથી. મોઢાનું કેન્સર થવાના ઘણા અન્ય કારણો પણ હોઈ શકે. ઘણા લોકોને કોઈ વ્યસન ન હોવા છતાં મોઢાનું કેન્સર થાય છે. આમ, મોઢાનું કેન્સર માત્ર તમાકુના વ્યસનથી જ થાય, એવું માની શકાય નહિ. આમ મહેશભાઈ દોંગા તરફેની રજુઆત ધ્યાને લઈ રાજકોટના ગ્રાહક તકરાર નિવારણ કમિશને બજાજ એલાયન્સ ઈન્સ્યોરન્સ કંપની સામે કલેઈમની રકમ રૂૂા.6.25 લાખ છ ટકા વ્યાજ સાથે બે માસમાં મહેશભાઈ દોંગાને ચુકવી આપવા અને હુકમ મુજબની રકમ ચુકવવામાં નિષ્ફળ જાય તો 9 ટકા વ્યાજ સાથે રકમ ચુકવવા તેમજ ફરીયાદ ખર્ચની રકમ રૂૂા.5 હજાર ચુકવવા હુકમ ફરમાવેલ છે. આ કામમાં ગ્રાહક ફરિયાદી તરફે રાજકોટના એડવોકેટ નીલેશ જી. પટેલ, નિકુંજબેન સાકરીયા, રીધ્ધીબેન પિલોજપરા, દિપાલીબેન નકુમ રોકાયા હતા.

Exit mobile version