રાજકોટના જિલ્લા ગાર્ડન ચોક પાસે ઘાંચીવાડમાં ’સામું જોવા’ જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ લોહિયાળ સ્વરૂૂપ ધારણ કર્યું હતું.આ ઘટનામાં ઘાંચીવાડમાં રહેતા અવેશભાઈ નસરૂૂદીનભાઈ ઘોણીયા (ઉ.વ. 28)એ પોતાની ફરિયાદમાં હુસેન ઉર્ફે ભાણો હારુન સંધી,માહીર મેમણ, સુફી સલીમ સંધી, અરબાઝ ઉર્ફે અબો અલ્તાફ ડોઢિયા, નોઈનખાન નઝીર યુસુફી, સેફુ સલીમ સંધી, સલમાન ઉર્ફે ભોદીયો ચૌહાણ, આદીલ સીપાઈ અને દેવો કાથડ સહિતના આશરે 9 થી વધુ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.આ ઘટનામાં પીઆઈ જે.વી.વાઢીયા અને સ્ટાફે અમુક આરોપીઓને સકંજામાં લઈ પૂછપરછ શરૂૂ કરી છે.
અવેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે રાત્રિના સમયે ભારત હોટેલ પાસે ફાકી ખાવા ગયા હતા, ત્યારે ત્યાં હાજર આરોપી હુસૈન ઉર્ફે ભાણાએ તું કેમ મારી સામે જોવે છે? તેમ કહી ઝઘડો શરૂૂ કર્યો હતો. આરોપીએ પોતાની પાસે રહેલી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ચાના કીટલા પાસે રહેલા કડછા વડે ફરિયાદીને વાસાના ભાગે માર માર્યો હતો. આ પ્રાથમિક હુમલા બાદ ફરિયાદી જીવ બચાવીને પોતાના ઘરે પહોંચ્યા હતા, પરંતુ વિવાદ અહીં શાંત થયો નહોતો.
હુસૈન ઉર્ફે ભાણો અન્ય આરોપીઓને ફોન કરીને ફરિયાદીના ઘર પાસે બોલાવી લાવ્યો હતો. માહીર મેમણ, સુફી સંધી, અરબાઝ ઉર્ફે અબો, નોઈનખાન, સેફુ સંધી, સલમાન ઉર્ફે ભોદીયો, આદીલ સીપાઈ અને દેવો કાથડ સહિતના આશરે 9 થી વધુ શખ્સોએ એકસંપ કરી, ગેરકાયદે મંડળી રચી હુમલો કર્યો હતો. આરોપીઓ લાકડાના ધોકા, લોખંડના કોયતા, સોડાની બોટલો અને પથ્થરો જેવા જીવલેણ હથિયારો સાથે સજ્જ થઈને આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના ઘર પર પથ્થરમારો અને સોડાની બોટલો ફેંકી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું તેમજ ફરિયાદીના મોટરસાયકલમાં પણ ધોકા વડે તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું.
જ્યારે ફરિયાદીના પિતા નસરૂૂદીનભાઈ અને કાકા રફીકભાઈ આ શખ્સોને સમજાવવા બહાર આવ્યા, ત્યારે આરોપીઓએ તેમને ઘેરી લઈને ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. અરબાઝ અને નોઈનખાને લાકડાના ધોકા વડે ફરિયાદીના પિતા અને કાકાને વાસા તેમજ ખંભાના ભાગે માર માર્યો હતો.આ દરમિયાન ફરિયાદીના કાકાનો દીકરો અમન વચ્ચે પડતા આરોપી સેફુ સંધીએ કોયતા વડે તેના માથામાં ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી. એટલું જ નહીં, આરોપીઓએ વચ્ચે બચાવવા આવેલી મહિલાઓ સુમેરાબેન અને નજમાબેનને પણ મુંઢ માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
હુમલા દરમિયાન પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચી જતાં તમામ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી નાસી છૂટ્યા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ શહેર એ-ડીવીઝન પોલીસ મથકે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો જેવી કે 115(2), 118(1), 189(2), 191(2), 191(3), 190, 351(2)(3) અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.હાલમાં પીએસઆઇ એસ.આર. ચાવડા આ સમગ્ર મામલે તપાસ ચલાવી રહ્યા છે.
