કોઠારિયા બાયપાસ પર ટ્રક અડફેટે સાઇકલ ચાલકનું મોત

શહેરની ભાગોળે કોઠારિયા બાયપાસ હાઇવે પર કોઠારિયા ચોકડ અને આજીડેમ ચોકડી વચ્ચે ટ્રક હેઠળ કચડાઇ જતા સાઇકલ ચાલક યુવાનનું ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ…

શહેરની ભાગોળે કોઠારિયા બાયપાસ હાઇવે પર કોઠારિયા ચોકડ અને આજીડેમ ચોકડી વચ્ચે ટ્રક હેઠળ કચડાઇ જતા સાઇકલ ચાલક યુવાનનું ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યુ હતું. આ અંગે આજીડેમ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જના ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ ગંજીવાડા શેરી નં.27માં રહેતો વિનુભાઇ આલાભાઇ મકવાણા (ઉ.વ.46)નામનો યુવાન આજે સવારે પોતાની સાઇકલ લઇ સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં કારખાનામાં નોકરીયે જતા હતો. દરમ્યાન આજીડેમ ચોકડીથી કોઠારિયા ચોકડી વચ્ચે હાઇવે પર પહોંચતા પુરપાટ ઝડપે આવતા ટ્રક ચાલકે સાઇકલને અડફેટે લેતા સાઇકલ ચાલક વિનુભાઇ ટ્રક હેઠળ કચડાઇ જતા બંન્ને પગ કપાઇ ગયા હતા અને માથુ છુંદાઇ જતા ઘટના સ્થળે જ તેમનુ મોત નીપજ્યુ હતું.

બનાવની જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ત્રણ ભાઇ એક બહેનમાં વચેટ અને તેને સંતાનમાં બે પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.