Site icon Gujarat Mirror

ફતેપુર ભોજલધામ ખાતે 10 ફૂટનો બાજરાનો રોટલો અર્પણ કરી સ્થપાયો નવો કીર્તિમાન

અમરેલી જિલ્લાના ભોજલધામ (ફતેપુર) ખાતે યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સમાપન પ્રસંગે જામનગરના શ્રી જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર હોલ તથા જલારામ મંદિર-હાપા દ્વારા 10 ફૂટ બાય 10 ફૂટ વ્યાસનો વિશાળ બાજરાનો રોટલો તૈયાર કરી સંત શિરોમણી જલારામ બાપાના ગુરુ પૂજ્ય શ્રી ભોજલરામ બાપાના ચરણોમાં અર્પણ કરવામાં આવ્યો હતો. જેના આજે નવા કીર્તિમાન સાથેનું સર્ટીફીકેટ પ્રાપ્ત થયું છે, જે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે પૂજ્ય જલારામ બાપાના ગુરુ ભોજલ બાપા ના ચરણોમાં અર્પણ કરાયું છે.

ઉલ્લેખનીય છે કે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા અગાઉ જામનગરમાં પૂજ્ય સંતશિરોમણી શ્રી જલારામ બાપાને 7 ફૂટ વ્યાસનો બાજરાનો રોટલો અર્પણ કરી આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વવિક્રમ નોંધાવ્યો હતો. તે પરંપરાને આગળ વધારતાં આજે ગુરુપૂર્ણિમાના પાવન દિવસે ભોજલધામ ખાતે 10 ફૂટ વ્યાસનો વિશાળ બાજરાનો રોટલો તૈયાર કરી ભાવપૂર્વક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પવિત્ર પ્રસંગે ભોજલધામના મહંત પૂજ્ય શ્રી ભક્તિરામ બાપુ, ભુપેન્દ્રભાઈ જોષી તથા નિખિલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાંત ગુજરાત રઘુવંશી લોહાણા સમાજ ફોરમના પ્રમુખ જીતુભાઈ લાલ, શ્રી જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ દતાણી, તેમજ ટ્રસ્ટના નવનિતભાઈ સોમૈયા, ભાવેશભાઈ પટેલ, વિરલભાઈ સોની, ધીરેનભાઈ દતાણી જસ્મીનબેન દતાણી અલ્પાબેન ચંદારાણા માલુબેન કોળી ની ઉપસ્થિતિમાં આ વિશ્વવિક્રમી ધાર્મિક સેવા કાર્ય સંપન્ન થયું હતું.

Exit mobile version