ગુજરાતની અગ્રણી ફાર્મા કંપની ઉપર સાયબર એટેક, હેકર્સોએ રૂા.30 કરોડની ખંડણી વસુલી?

ડિજિટલ ડેટા સિસ્ટમ હાઇજેક કરી ક્રિપ્ટોકરન્સીથી ખંડણી પડાવ્યાની ચર્ચા, ચીની હેકર્સ સામે શંકા ગુજરાતની એક જાણીતી અને અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની પર એક મોટા સાયબર હુમલાના…

ડિજિટલ ડેટા સિસ્ટમ હાઇજેક કરી ક્રિપ્ટોકરન્સીથી ખંડણી પડાવ્યાની ચર્ચા, ચીની હેકર્સ સામે શંકા

ગુજરાતની એક જાણીતી અને અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની પર એક મોટા સાયબર હુમલાના અહેવાલો સામે આવ્યા છે. કંપનીના ડિજિટલ ડેટા અને સિસ્ટમ્સને હાઇજેક કરીને હેકર્સે રૂૂ. 30 કરોડની જંગી રકમની ખંડણી (રેન્સમવેર) માગી હોવાનું ખૂલ્યું છે. આ હુમલા પાછળ ચીની હેકર્સ સંડોવાયેલા હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જ્યારે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીએ પોતાનો કિંમતી ડેટા સુરક્ષિત પાછો મેળવવા માટે ક્રિપ્ટોકરન્સી વોલેટ દ્વારા ખંડણીની રકમ ચૂકવી દીધી હોવાની પણ ચર્ચાઓ વ્યાપક બની છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, હેકર્સે અતિ-આધુનિક ડિજિટલ યુક્તિઓ અપનાવીને કંપનીના મુખ્ય કમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસણખોરી કરી હતી. આ હુમલા દરમિયાન હેકર્સે કંપનીનું અતિ મહત્ત્વનું ’મેડિસિન મોડ્યુલ’ તેમજ ઉત્પાદન અને સંશોધનને લગતો ડેટા પોતાના કબજામાં લઈ લીધો હતો. આ સાયબર હુમલાના કારણે કંપનીની આખી ડિજિટલ સિસ્ટમ ખોરવાઈ ગઈ હતી અને રોજિંદા કામકાજ પર ગંભીર અસર પડી હતી, જેના કારણે કંપનીને વહીવટી અને ટેકનિકલ કટોકટીનો સામનો કરવો પડ્યો હતો.

પોલીસ સૂત્રોના સૂચવ્યા મુજબ, ડેટા પરનો કાબૂ છોડવા અને સિસ્ટમ પૂર્વવત કરવાના બદલામાં હેકર્સે શરૂૂઆતમાં રૂૂ. 30 કરોડની તોતિંગ રકમની માંગણી કરી હતી. સૂત્રોના દાવા મુજબ, ડેટા લીક થવાના અથવા મોટા પાયે વ્યાપારી નુકસાનના જોખમને ટાળવા માટે કંપનીએ ગુપ્ત રીતે ક્રિપ્ટોકરન્સી વોલેટ દ્વારા આ રકમ ચૂકવી દીધી હોવાની આશંકા છે, જોકે આ ચુકવણીની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. આ ગંભીર ઘટના સામે આવ્યા બાદ પશ્ચિમ અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં આ બાબતે અરજી સબમિટ કરવામાં આવી હોવાનું મનાય છે. મામલાની સંવેદનશીલતા અને જંગી રકમના સંડોવાયા હોવાને કારણે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ અને સાયબર નિષ્ણાતોની એક વિશેષ ટીમ દ્વારા આ મામલે ઊંડાણપૂર્વક તપાસ આરંભવામાં આવી છે.

સૂત્રોનું કહેવું છે કે સાયબર એજન્સીઓ અત્યારે આ કેસને અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ રીતે હેન્ડલ કરી રહી છે. આ સાથે જ, ખંડણી તરીકે ચૂકવાયેલી રકમના ટ્રેલને શોધી કાઢવા અને તે ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શનને ટ્રેક કે બ્લોક કરવા માટે ટેકનિકલ મદદ લેવામાં આવી રહી છે. હાલમાં તપાસ ચાલુ હોવાના કારણે જવાબદાર પોલીસ અધિકારીઓ કે સત્તાવાર સૂત્રો દ્વારા આ મામલે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી.