સાવરકુંડલાનો રોહિત રંગાણી સુરતના છ જ્વેલર્સના 1.68 કરોડના દાગીના લઇ ફરાર

સુરત શહેરમાંથી વિશ્વાસઘાત અને કરોડોની છેતરપિંડીનો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જૂના અને પ્રતિષ્ઠિત સૈયદપુરા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સ પેઢીમાં ડિલિવરી બોય તરીકે…

સુરત શહેરમાંથી વિશ્વાસઘાત અને કરોડોની છેતરપિંડીનો અત્યંત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જૂના અને પ્રતિષ્ઠિત સૈયદપુરા વિસ્તારમાં આવેલી એક જ્વેલર્સ પેઢીમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો શખ્સ અન્ય 6 જેટલા જ્વેલર્સ વેપારીઓના અંદાજે રૂૂપિયા 1.68 કરોડના કિંમતી દાગીના લઈને રફૂચક્કર થઈ ગયો છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ભાગી છૂટેલો ડિલિવરીમેન બીજો કોઈ નહીં પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકનો કુખ્યાત ઠગ રોહિતકુમાર ચંદ્રકાંત રંગાણી છે. આ બનાવને પગલે સુરતના જ્વેલરી માર્કેટમાં ભારે ખળભળાટ મચી ગયો છે અને ભોગ બનનાર વેપારીએ લાલગેટ પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.

સૈયદપુરાની જ્વેલર્સ કંપની દ્વારા વિવિધ પ્રોસેસિંગ, પોલિશિંગ કે હોલસેલ વેચાણ અર્થે અન્ય 6 જ્વેલર્સ પેઢીઓને મોકલવાના થતા કિંમતી સોના-હીરાના ઘરેણાં ડિલિવરી માટે આ શખ્સને સોંપવામાં આવ્યા હતા. ઘરેણાંની કુલ બજાર કિંમત આશરે ₹1.68 જેટલી થવા જાય છે.નિર્ધારિત સમય સુધીમાં દાગીના અન્ય વેપારીઓ સુધી ન પહોંચતાં અને ડિલિવરીમેનનો ફોન સ્વિચ ઑફ આવતાં પેઢીના માલિકને પોતાની સાથે મોટો ખેલ થઈ ગયો હોવાનો અહેસાસ થયો હતો.

આ કૌભાંડમાં વેપારી વર્ગની બેદરકારી પણ છતી થઈ છે.જ્વેલર્સના માલિકે માત્ર એક મહિના પહેલાં જ આ શખ્સને કોઈ પણ પ્રકારના ઓળખકાર્ડ, સરનામાના પુરાવા કે પોલીસ વેરિફિકેશન વિના ડિલિવરીમેન તરીકે નોકરી પર રાખી લીધો હતો.આરોપીએ પોતાની ઓળખ છુપાવી રાખીને વિશ્વાસ કેળવ્યો હતો અને મોટો હાથ મારવાની યોગ્ય તકની રાહ જોતો હતો. કરોડોના દાગીના ચોરી થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરના એક્ઝિટ પોઇન્ટ્સ, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ તેમજ સાવરકુંડલા તરફ જતા માર્ગો પર સીસીટીવી ફૂટેજના આધારે આરોપીનું લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું છે.