શેરબજારમાં પણ મંદી, સોના-ચાંદીમાં રિકવરી
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની સીધી અસર હવે વૈશ્વિક અર્થતંત્ર પર દેખાવા લાગી છે. હોર્મુઝની ખાડીમાં વધતા તણાવ અને જહાજો પર થઈ રહેલા મિસાઈલ હુમલાના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં અચાનક ભડકો થયો છે. સોમવાર સુધી 80 ડોલરની આસપાસ ટ્રેડ કરતું ક્રૂડ ઓઈલ આજે ઉછળીને 84 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી ગયું છે. તેલના ભાવમાં આ તોફાની તેજીના કારણે સમગ્ર વિશ્વમાં મોંઘવારી અને ઈંધણ સંકટનો મોટો ખતરો ઊભો થયો છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં ચાલી રહેલા સૈન્ય સંઘર્ષના પગલે આજે બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધીને 84.79 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો. તેની સાથે જ યુએસ ડબ્લ્યુટીઆઈ ક્રૂડ પણ ઉછળીને 81 ડોલર પ્રતિ બેરલની સપાટીએ ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. આ ઉપરાંત મર્બન ક્રૂડના ભાવ પણ 79.34 ડોલરની ઊંચી સપાટી પર પહોંચ્યા હતા. બજારના વિશ્ર્લેષકોના મતે જો પશ્ચિમ એશિયાનો આ જંગ લાંબો ખેંચાશે, તો ક્રૂડ ઓઈલ ફરી એકવાર 120 ડોલર પ્રતિ બેરલને પણ પાર કરી શકે છે.
જે વૈશ્વિક બજારો માટે અત્યંત ચિંતાજનક બાબત છે. તેલના ભાવમાં સતત વધારો ભારતના આયાત બિલને વિસ્તૃત અસર કરી શકે છે. કારણ કે ડોલરનો ભાવ વધતા ભારત ઉપર નવો આર્થીક બોઝ આવી શકે છે. ક્રુડના ઉંચા ભાવ ભારતીય રિઝર્વ બેંક માટે પણ પડકારો ઉભા કરી શકે છે.
બીજી બાજુ ભારતનો રૂૂપિયો વધુ નબળો પડ્યો છે.આજે વધુ 52 પૈસા નબળો પડતા રૂૂપિયાની સામે ડોલરનો ભાવ 96.26 સુધી પહોંચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેં મહિનાના મધ્ય ભાગમાં ડોલરનો ભાવ 96.96 પહોંચ્યો હતો જે અત્યાર સુધીનો ઉચ્ચતમ ભાવ રહ્યો છે.
શેરબજારમાં પણ આજે ઉઘડતાની સાથે 500 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 77200 અને નિફ્ટી હાલ 24095 પર ટ્રેડ કરી રહ્યો છે. મોટાભાગની સ્ક્રિપ્ટ આજે લાલ નિશાનમાં જોવા મળી હતી. જોકે આજે સોના ચાંદીમાં થોડી ચમક જોવા મળી હતી. સોનામાં 1200 અને ચાંદીમાં 2700 રૂૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

