ગુજરાતમાં જગન્નાથજીની રથયાત્રાઓ પૂર્વે એટીએસનું મોટુ ઓપરેશન, અજ્ઞાત સ્થળે ઘનિષ્ઠ પૂછપરછ
ગુજરાતમાં આગામી ગુરૂવારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની 240 જેટલી રથયાત્રાઓ નીકળનાર છે તે પૂર્વે ગુજરાત એન્ટિ ટેરેસ્ટિ સ્કવોડે સિધ્ધપુર (પાટણ) માં ગુપ્ત ઓપરેશન હાથ ધરી જૈસ-એ-મોહમ્મદના પાંચ શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. ત્યારે મોટા ઘટસ્ફોટ થવાની શકયતા દર્શાવાઈ રહી છે.
પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ, કોઈ આતંકી દ્વારા આ કટલરીની દુકાનમાંથી નાના રમકડાંમાં વપરાતી બેટરીઓની ખરીદી કરવામાં આવી હોવાની આશંકાને પગલે એટીએસ દ્વારા આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ સર્ચ ઓપરેશન દરમિયાન ઝાંપલીપોળ સ્થિત ’નૂરાની ટેલર્સ’ નામની દુકાનમાંથી એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત (ડિટેન) કરવામાં આવી છે. એટીએસની ટીમ આ શંકાસ્પદ ઇસમને વધુ પૂછપરછ અને તપાસ અર્થે અજ્ઞાત સ્થળે લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ હિલચાલને પગલે સ્થાનિક સ્તરે ભારે ચકચાર મચી ગઈ છે.
આ ઓપરેશનના ભાગરૂૂપે આજે પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી વધુ પાંચ શંકાસ્પદ ઇસમોને ડિટેન કરવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસને સાથે રાખીને વિવિધ વિસ્તારોમાં મોડી સાંજ સુધી સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
અઝજ દ્વારા રાજ્યમાં રથયાત્રા જેવા મોટા તહેવારોમાં વિઘ્ન નાખવા અને સંગઠનને ફરી સક્રિય કરવાના મોટા ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન કુલ 8 શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરવામાં આવી છે.
આ અગાઉ ગુજરાતના સિદ્ધપુરમાંથી 3, પાલનપુરમાંથી 3 અને ચીખલીમાંથી 1 આતંકી ઝડપાયા હતા. આજે સિદ્ધપુરમાંથી વધુ 5 જેટલા સંદિગ્ધ ઇસમાને પકડી પૂછપરછ કરવામાં આવી રહી છે. આતંકીઓના તાર સિદ્ધપુર તાલુકામાં વધુ સક્રિય હોવાના પુરાવા મળતા અઝજ ટીમોએ બપોરથી જ સિદ્ધપુરમાં તપાસ શરૂૂ કરી હતી.
આ મેગા ઓપરેશન અંતર્ગત અઝજ ટીમો દ્વારા સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામમાં આતંકી મોહમદ અમીન શેરાના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તેના પરિવારજનોની પણ ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી હતી.
મોહમદ અમીન શેરા દ્વારા સિદ્ધપુર વિસ્તારમાંથી ખરીદવામાં આવેલા શંકાસ્પદ સામાન અંગેના સગડ મેળવવા માટે શહેરના ઝાપલીપોલ સહિતના અન્ય વિસ્તારોમાં વેપારીઓની પૂછપરછ કરી તપાસ લંબાવવામાં આવી છે. મોડી સાંજ સુધી ચાલેલી આ તપાસ અને પૂછપરછના આધારે આગામી સમયમાં આ નેટવર્ક સાથે જોડાયેલા વધુ ખુલાસા થવાની શક્યતા છે.
