પડધરી પોલીસ લાઈનમાં બાઈક ગેરકાયદેસર પ્રવેશ કરી પોતાને પત્રકાર ઓળખાવી પોલીસ લાઇનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર રાજકોટના બે પત્રકારોએ માથાકૂટ કરી ફરજ પરના પોલીસમેનને ધમકી આપતા ફરજમાં રૂૂકાવટ સહિતની કલમ હેઠળ પડધરી પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ઘટનાની વિગત મુજબ, પડધરી પોલીસ સ્ટેશનમાં લાઇન જમાદાર અને કોર્ટ ડ્યુટી તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારી વિપુલભાઈ ડાયાભાઈ પડાણીએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તારીખ 09/07/2026 ના રોજ બપોરે આશરે બે વાગ્યાના સુમારે જ્યારે તેઓ કોર્ટ ડ્યુટીની રિસેસ દરમિયાન લાઇન સ્થિત પોતાના ઘરે જમવા જઈ રહ્યા હતા, ત્યારે પોલીસ લાઇનની મુખ્ય ગેટ પાસે એક મોટરસાયકલ પર સવાર બે શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.
જેમાં મોટરસાયકલની પાછળ બેઠેલો શખ્સ પોતાના મોબાઇલ ફોનથી પોલીસ લાઇનનો વીડિયો ઉતારી રહ્યો હતો. જમાદાર વિપુલભાઈએ સુરક્ષાના કારણોસર તેઓને ગેટ પાસે જ ઉભા રહેવા ટોક્યા હોવા છતાં, આરોપીઓએ વાહન ઉભું રાખ્યું ન હતું અને ગેરકાયદેસર રીતે પોલીસ લાઇન પરિસરમાં પ્રવેશી વીડિયો શૂટિંગ ચાલુ રાખ્યું હતું. જ્યારે પોલીસ કર્મચારીએ તેઓને ઓળખ અને વીડિયો ઉતારવાનું કારણ પૂછ્યું, ત્યારે પાછળ બેઠેલા શખ્સે ઉદ્ધતાઈપૂર્વક ધમકી આપતા જણાવ્યું હતું કે, “હું પત્રકાર છું અને વીડિયો તો ઉતારીશ જ, તમારાથી થાય તે કરી લેજો.” આ દરમિયાન ત્યાં ફરજ પર હાજર અન્ય પોલીસ કર્મચારીઓ રાધિકાબેન, આરતીબેન અને મિલનભાઈ પણ એકત્રિત થઈ ગયા હતા. પોલીસ સ્ટાફને જોઈને બંને શખ્સો પોતાની એક્સેસ મોટરસાયકલ નંબર જીજે-03-એલપી-0060 લઇ પૂરઝડપે ચલાવીને ત્યાંથી નાસી છૂટ્યા હતા.
આ ઘટના બાદ તારીખ 10/07/2026 ના રોજ પોલીસ કર્મચારી વિપુલભાઈ ડાયાભાઈ પડાણીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર એક વીડિયો સામે આવ્યો હતો, જે પડધરી પોલીસ લાઇનનો હતો. આ વીડિયો ’છફષસજ્ઞભિંશિુીાંમફયિંક્ષયૂત’ નામના પેજ પર અપલોડ કરવામાં આવ્યો હતો. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વીડિયો ઉતારનાર શખ્સ કુણાલભાઈ હસમુખભાઇ ડાભી (રહે. શિવશક્તિ કૃપા, રામનાથપરા ભવાનીનગર, રાજકોટ શહેર) છે અને મોટરસાયકલ ચાલક કીશનભાઈ વાડોલીયા (રહે. રાજકોટ) છે. આ બંને શખ્સોનો પોલીસ લાઇન સાથે કોઈ સંબંધ ન હોવા છતાં તેઓએ અનધિકૃત રીતે પ્રવેશ કર્યો હતો.
આ મામલે પડધરી પોલીસે જમાદાર વિપુલભાઈ ડાયાભાઈ પડાણીની ફરિયાદના આધારે આરોપીઓ વિરૂૂદ્ધ સરકારી સેવકની ફરજમાં અડચણ તેમજ ગેરકાયદે પ્રવેશ અને ધમકી આપવાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પડધરી પોલીસ સ્ટેશનના અધિકારી વી.સી. જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કેસની આગળની તપાસ એએસઆઈ પુનીતભાઈ નરેન્દ્રભાઈ અગ્રાવત ચલાવી રહ્યા છે.
