સાતમ-આઠમના લોકમેળાની તૈયારીઓ હવે આખરી ઓપ તરફ વધી રહી છે. મેળામાં પ્લોટ અને સ્ટોલની ફાળવણી પ્રક્રિયા અંતર્ગત બાકી રહેલા રમકડાંના 11 સ્ટોલની સફળતાપૂર્વક ફાળવણી કરી દેવામાં આવી છે. આ સાથે જ રમકડાંના વિભાગની તમામ જગ્યાઓની ફાળવણી પૂર્ણ થતાં વેપારીઓ અને મુલાકાતીઓ બંનેમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
મેળા સમિતિ દ્વારા પારદર્શક પ્રક્રિયા અને ડ્રો મારફતે રમકડાંના સ્ટોલની ફાળવણી પૂર્ણ કરાઈ છે. હવે તંત્રનું ધ્યાન ખાણી-પીણીના બાકી રહેતા સ્ટોલ પર કેન્દ્રિત થયું છે. લાખ્ખો લોકો માટે શુદ્ધ અને ગુણવત્તાસભર વાનગીઓ મળી રહે તે માટે તંત્ર કટિબદ્ધ છે. લોકમેળામાં 10 થી 12 લાખ લોકો ઉમટી પડવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત અને અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સૌરાષ્ટ્રભરના ગામડાઓમાંથી આવતી જનતાને હાલાકી ન પડે તે માટે જુદી જુદી15થી વધુ જગ્યાએ ફ્રી પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સમગ્ર મેળા મેદાન પર બાજ નજર રાખવા માટે 5 વોચટાવર ઉભા કરાયા છે, જ્યાં સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવશે. મુલાકાતીઓની સુરક્ષા માટે ફાયર સેફ્ટી, વીજ કનેક્શન અને એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અંગેના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. પોલીસ બંદોબસ્તની સાથે સાથે ખાનગી સિક્યોરીટી ગાર્ડ પણ તૈનાત રહેશે.
