Site icon Gujarat Mirror

લગ્નની ના પાડતા મામાના દીકરાએ પરિણીતાનો પીછો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

રાજકોટ શહેરમાં લગ્નની ના પાડવા જેવી જૂની અદાવત રાખીને એક શખ્સે પોતાની જ ફોઈની દીકરીનો પીછો કરી તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ મામલે 26 વર્ષીય પરિણીતા મુસ્કાને પોતાના સગા મામાના દીકરા વાસીમ સિકંદર શેખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, આરોપી વાસીમ ફરિયાદી સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ પરિણીતાના પરિવારે આ પ્રસ્તાવનો અસ્વીકાર કર્યો હતો. આ બાબતનો ખાર રાખીને આરોપી છેલ્લા કેટલાક સમયથી ફરિયાદીનો પીછો કરીને માનસિક રીતે પરેશાન કરી રહ્યો હતો અને ગંભીર ધમકીઓ આપી રહ્યો હતો.

ઘટનાની વિગત મુજબ, જાન્યુઆરી 2026માં જ્યારે ફરિયાદી તેના પિયર હુડકો ક્વાર્ટરથી ચાલીને જઈ રહી હતી, ત્યારે આરોપી વાસીમે મોટરસાયકલ પર તેનો પીછો કર્યો હતો અને સંજરી મસ્જિદ પાસે તેને આંતરીને “આજે તો તું બચી ગઈ છે, પણ હવે પછી હું તને જોઈ લઈશ” તેવી ધમકી આપી હતી. આ સિલસિલો અહીં જ ન અટકતા, ગત 4 એપ્રિલ 2026ના રોજ ફરીથી જ્યારે મુસ્કાનબેન પોતાની દીકરી ફાતિમાને પતિની રિક્ષા સુધી મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે આરોપીએ રસ્તામાં આવીને અત્યંત ક્રૂર ધમકી આપતા કહ્યું હતું કે, “તારા ઘરવાળા અને તારી છોરી બંનેને છરીના ઘોદા મારી દઈશ”. આ સતત મળતી ધમકીઓને કારણે પરિવારમાં ફાળ પડી ગઈ હતી.

ત્યારબાદ 6 એપ્રિલના રોજ જ્યારે ફરિયાદીના પતિ ઘરે આવ્યા, ત્યારે તેમણે જણાવ્યું કે આરોપીએ તેમની સાથે રસ્તામાં ગાળાગાળી કરી છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. આ બાબતે જ્યારે મુસ્કાનબેને આરોપીને ફોન કરીને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આરોપીએ ફોન પર પણ અત્યંત ખરાબ ગાળો આપી હતી અને “હવે તું દેખાતી નહીં, ત્યાં આવીને મારીશ” તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. આખરે આરોપીના ત્રાસથી કંટાળીને પરિણીતાએ તેના પતિ અને માતા સાથે પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
મોડા ફરિયાદ નોંધાવવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે આરોપી સગો મામાનો દીકરો હોવાથી અગાઉ સમાજની બીકે ફરિયાદ કરી ન હતી. પ્રદયુમનનગર પોલીસે આ મામલે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ 78 (પીછો કરવો), 351(3) (ગુનાહિત ધમકી) અને 352 (અપમાનજનક વર્તન) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version