રાજકોટમાં 16 વર્ષ પહેલા રૂા.3.50 લાખની લાંચ લેતા ઝડપાયેલા PIને બે વર્ષની સજા ફટકારતી કોર્ટ

રાજકોટના મોટા મવા ગામના સરપંચના ખુન કેસમાં નામ નહીં ખોલાવવા માટે માંગેલ રૂૂા.3.50 લાખની લાંચનો દોઢ લાખનો બીજો હપ્તો સ્વીકારતા ઝડપાયેલા તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન…

રાજકોટના મોટા મવા ગામના સરપંચના ખુન કેસમાં નામ નહીં ખોલાવવા માટે માંગેલ રૂૂા.3.50 લાખની લાંચનો દોઢ લાખનો બીજો હપ્તો સ્વીકારતા ઝડપાયેલા તાલુકા પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈને અદાલતે તકસીરવાન ઠરાવી બે વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂા.10,000 નો દંડ ફટકાર્યો છે.

આ કેસની હકિકત મુજબ રાજકોટના મોટમવા ગામના સરપંચ મયુર તળશીભાઈ શિંગાળાની તા.18/11/2009 ના રોજ હત્યા થઈ હતી. જે ખૂન કેસમાં રમેશભાઈ રાણાભાઈ મકવાણાની સંડોવણી હોવાની રજુઆતો થઈ હતી. જે તે વખતના તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. ચંદુલાલ પી. ગોસાઈએ રમેશભાઈ મકવાણાને બોલાવી તેમનુ નામ ન ખોલાવવા માટે રૂૂા.15 લાખની લાંચની માંગણી કરી હતી. જે રકઝકના અંતે સાડા ત્રણ લાખમાં સેટલ થયું હતું. આ રકમ પૈકી રૂૂપિયા બે લાખ ફરીયાદી રમેશભાઈએ ટ્રેપના દિવસે સાંજના સમયે આપી દીધા હતક. પરંતુ પીઆઇ સી.પી. ગોસાઈએ બાકીના દોઢ લાખ રાત સુધીમાં પોલીસ સ્ટેશને પહોંચાડી દેવા જણાવ્યું હતું. ફરીયાદીએ આ અંગે સાંજના સમયે એ.સી.બી.માં ફરીયાદ કરી કરી હતી. ફરિયાદના આધારે એસીબીની ટીમે લાંચનુ છટકુ ગોઠવી પીઆઇ સી.પી. ગોસાઈને પી.આઈ.ની ચેમ્બરમાંથી રમેશભાઈ પાસેથી બાકીના રૂૂપિયા દોઢ લાખ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા. ટ્રેપના દિવસે પીઆઇ સી.પી. ગોસાઈની ઘરની ઝડતી તપાસ દરમ્યાન રૂૂ.3.31 લાખ રોકડા મળી આવેલા હતા.

પોલીસ તપાસ બાદ ચાર્જશીટ રજુ થતા બચાવ પક્ષ દવારા રજુઆતો કરાવામાં આવી હતી કે, ફરીયાદીએ તેમને ખોટી રીતે ફસાવવા માટે ટેબલ ઉપર નોટોનુ બંડલ મુકી જતા રહેલ છે. આરોપી તેમને આ રકમ પાછી આપવા પાછળ ગયેલ પરંતુ તે દરમ્યાન આરોપીને ટ્રેપમાં ઝડપી લેવામાં આવેલ હતા. જ્યારે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવેલ હતુ કે, કોઈપણ કેસનો આરોપી પોતાની નિર્દોષતાના પુરાવા આપે તો પોલીસે તે પુરાવા લેવા પડે અને પુરાવા ન આપે તો ગુનેગાર ગણી તેની ધરપકડ કરવી જોઈએ. આમ કરવાના બદલે આરોપી સી.પી. ગોસાઈએ ફરીયાદી રમેશભાઈને 2-3 વખત પોલીસ સ્ટેશને બોલાવેલ, જે વર્તણુક સાબિત કરે છે કે આ દરમ્યાન લાંચની રકમની પતાવટ થતી હતી.

કોઈ વ્યકિત પોલીસ સ્ટેશનની અંદર આવી મુખ્ય પોલીસ અધિકારીને લાંચના ખોટા કેસમાં ફસાવે તે અશકય છે કારણ કે એ.સી.બી.ના કોઈપણ પોલીસ અધિકારી કોઈ પોલીસ સ્ટેશનના પી.આઈ.ને ખોટી રીતે લાંચના કેસમાં ફસાવે નહી. ચાર્જશીટ કરવા માટે આરોપીના ઉપરી અધિકારી પાસેથી પુર્વ મંજુરી લેવામાં આવતી હોય છે. આ સમયે પણ આરોપી સી.પી. ગોસાઈએ પોતાના ઉપરથી અધિકારીને પોતાના બચાવ અંગેની કોઈ રજુઆત કરેલ નથી. વધુમાં આરોપી સી.પી. ગોસાઈના હાથ ઉપર ફીનોપથેલીન પાવડરની હાજરી વૈજ્ઞાનિક પરીક્ષણ મુજબ જણાઈ આવે છે ત્યારે આરોપીએ આ રકમ લાંચ પેટે જ માંગેલ અને મેળવેલ છે તે સાબિત થાય છે.

એ.સી.બી. કેસમાં કોઈ ફરીયાદી ખોટી ફરીયાદ કરી કોઈ અધિકારીને ફસાવવાનો ઈરાદો ધરાવી શકે પરંતુ ટ્રેપ દરમ્યાન પંચની હાજરીમાં આરોપીએ જયારે લાંચની રકમ સ્વીકારેલ હોય ત્યારે ખોટી ફરીયાદ કરી આરોપીને ફસાવવામાં આવેલ હોય તેમ માની શકાય નહી સહિતની દલીલો ગ્રાહ્ય રાખી એ.સી.બી.ના ખાસ જજ વી.એ. રાણાએ આરોપી ચંદુલાલ પુજગર ગોસાઈ (ઉ.વ.72)ને તકસીરવાન ઠરાવી બે વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂા.10,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ સંજયભાઈ કે. વોરા રોકાયા હતા.