Site icon Gujarat Mirror

દ્વારકાના કુખ્યાત બિચ્છુ ગેંગના ગુજસીટોકના આરોપીની જામીન અરજી રદ કરતી કોર્ટ

 

ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે પરેશાનીમાં મૂકી અને આતંક ફેલાવતી બિચ્છુ ગેંગને પોલીસે ઝડપી પાડી, આ ગેંગના સદસ્યોને ગુજસીટોકના કાયદા હેઠળ જેલ હવાલે કર્યા હતા. ત્યારે જેલમાં રહેલા એક આરોપીએ જામીનમુક્ત થયા બાદ પોલીસની કાર્યવાહી પછી આરંભડાના આ શખ્સના જામીન રદ કરાવી અને પુન: જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ આજથી આશરે બે વર્ષ પૂર્વે ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા વેપારીઓ તેમજ સ્થાનિક લોકોને વિવિધ રીતે હેરાન-પરેશાન કરી, ખંડણી ઉઘરાવવા સહિતના ગુના સંદર્ભે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ગુજસીટોકની આકરી કલમ તળે આરોપીઓની અટકાયત કરી, કાયદાકીય કાર્યવાહી પછી બિચ્છુ ગેંગના આ સદસ્યોને જેલ હવાલે કરી દેવામાં આવ્યા હતા.

આ પછી પણ ત્રણ આરોપીઓ જામીન મુક્ત થતા પોલીસની કાર્યવાહીમાં પુન: તેઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. બિચ્છુ ગેંગના ગુજસીટોકના આરોપી એવા આરંભડા ગામના રહીશ માનસંગભા ધંધાભા માણેક દ્વારા તાજેતરમાં જામીન મેળવી અને પુન: જિલ્લામાં પ્રવેશ કરી, ગુના આચરવાનો પ્રયાસ કરવામાં આવતા આ અંગે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડ દ્વારા આરોપીના જામીન રદ કરવા અંગેની દરખાસ્ત તૈયાર કરાવી, આ અંગેના વિવિધ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આ પ્રકરણમાં સ્પેશિયલ પી.પી. તુષાર ગોકાણી દ્વારા સ્પેશિયલ ગુજસીટોક કોર્ટમાં કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર અદાલતે ઉપરોક્ત આરોપીના જામીન રદ કરીને ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે પોલીસે ઉપરોક્ત આરોપીની અટકાયત કરી, રાજકોટ જેલ હવાલે મોકલી આપ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ગુજસીટોક કોર્ટના તુષાર ગોકાણી, ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડ, એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, મીઠાપુરના પી.આઈ. તુષાર પટેલ તેમજ સ્પેશિયલ ગુજસીટોકની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Exit mobile version