પાર્કિંગમાં ગાડીમાં નુકસાની કરવા મામલે થયેલા ઝઘડામાં દંપતીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યું

શહેરના રેલનગરમાં આવેલી ઝાંસી કી રાની ટાઉનસીપમાં કાર પાર્કિંગ જેવી નજીવી બાબતે પડોશીઓ વચ્ચે થયેલા વિવાદમાં એક દંપતીનું જ્ઞાતિવિષયક અપમાન કરી ગાળો ભંડાયાની ઘટના સામે…

શહેરના રેલનગરમાં આવેલી ઝાંસી કી રાની ટાઉનસીપમાં કાર પાર્કિંગ જેવી નજીવી બાબતે પડોશીઓ વચ્ચે થયેલા વિવાદમાં એક દંપતીનું જ્ઞાતિવિષયક અપમાન કરી ગાળો ભંડાયાની ઘટના સામે આવી છે.આ મામલે પ્રદયુમનનગર પોલીસ મથકમાં એક જ પરિવારના ત્રણ સભ્યો વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા એટ્રોસિટી એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાની વિગત એવી છે કે ટાઉનસીપના બ્લોક નંબર એચ-22માં રહેતા અને ઇલેક્ટ્રિક મજૂરી કામ કરતા ગણપતભાઇ જયંતીભાઈ પરમારે પોતાના પડોશમાં રહેતા પ્રકાશભાઈ ચંદુભાઈ હળવદીયા, તેમના પત્ની નુતનબેન અને પુત્રી સંજનાબેન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ગણપતભાઇ પાસે કાર છે, જે તેઓ પોતાના ઘરની નીચે પાર્કિંગમાં પાર્ક કરે છે.

ગત તારીખ 10 મે 2026ના રોજ રાત્રિના આશરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ગણપતભાઇ અને તેમના પત્ની પ્રજ્ઞાબેન પોતાના ઘરે હાજર હતા. એ સમયે તેમની બાજુમાં રહેતા પ્રકાશભાઈ હળવદીયા, તેમના પત્ની અને દીકરી કોઈ કારણસર અંદરોઅંદર ઝઘડો કરી રહ્યા હતા. આ ત્રણેય જણા ઝઘડતાં ઝઘડતાં પાર્કિંગમાં પાર્ક કરેલી ફરિયાદીની કાર સાથે ભટકાતા કારની ડેકીના પાછળના ભાગે સામાન્ય ઘોબો પડી ગયો હતો. આથી ગણપતભાઇ અને તેમના પત્ની પ્રજ્ઞાબેને નીચે આવીને પડોશી પરિવારને પૂછ્યું હતું કે, “તમે અમારી કારને કેમ ઘોબા પાડો છો?”. આ સામાન્ય ઠપકો આપતાં જ પડોશી પરિવારે ઉશ્કેરાઈને દલિત દંપતી સાથે ભારે ગેરવર્તણૂક શરૂ કરી દીધી હતી.

કારને નુકસાન થવા અંગે પૂછતાં જ આરોપી પ્રકાશભાઈ, તેમના પત્ની નુતનબેન અને પુત્રી સંજનાબેને એકસંપ થઈને ફરિયાદી ગણપતભાઇ તથા તેમના પત્નીને જાહેરમાં અપમાનિત કરવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ ઉશ્કેરાઈને કહ્યું હતું કે, “તમો અમોને કહેવા વાળા કોણ છો? તમારી ગાડી પાંચ રૂપિયાની છે” તેમ કહી જ્ઞાતિવિષયક ખરાબ શબ્દો બોલી અપમાનિત કર્યા હતા. આ સાથે જ ત્રણેય આરોપીઓએ દંપતીને જેમ ફાવે તેમ ગાળો ભાંડી, જાહેરમાં માનસિક ત્રાસ આપી અપમાનજનક શબ્દો કહ્યા હતા. એક જ સોસાયટીમાં સાથે રહેવાનું હોવાથી ફરિયાદીએ શરૂઆતમાં ફરિયાદ કરી ન હતી, પરંતુ આખરે ન્યાય મેળવવા માટે તેઓએ પોલીસના દ્વાર ખખડાવ્યા છે.

આ ગંભીર બનાવ અંગે તારીખ 18 મે 2026ના રોજ પ્રદયુમનનગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીઓ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 352, 54 તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ (એટ્રોસિટી એક્ટ)ની કલમ મુજબ ગુનો રજીસ્ટર કર્યો છે.