રાજકોટના આજી નદી કાંઠે આવેલા જંગલેશ્ર્વર સહીતના પાંચ જેટલી સરકારી જમીન ઉપર ઉભેલી સોસાયટીઓના 2350 જેટલા ગેરકાયદે બાંધકામોના વિવાદ વચ્ચે ટીપી રોડની કપાતમાં આવતા મકાનોનું ડિમોલીશન કરવા મહાનગર પાલિકાએ તૈયારી શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ આજી નદીના કાંઠે મહાનગરપાલિકાની માલિકીની જમીનમાં કુલ 992 જેટલા ગેરકાયદે બાંધકામો ઉભા છે તે પૈકી ટીપી સ્કીમ નં.6નો રોડ પહોળો કરવામાં નડતરરૂપ મકાનોનું શનિ-રવિ અથવા સોમવારે ડિમોલીશન હાથ ધરવામાં આવનાર છે. આ માટે મહાનગરપાલિકાએ તાજેતરમાં જ કોર્ટમાં કેવીયેટ પણ દાખલ કરી હતી જેથી કોઇ દબાણકાર મનાઇ હુકમ લાવી શકે નહીં.
આ માટે મનપા દ્વારા અધિકરીઓને સૂચના આપી દેવામાં આવી હોવાનું આધારભૂત સૂત્ર પાસેથી જાણવા મળી રહ્યું છે. આ મેગા ડિમોલિશનમાં 21 જેસીબી, 26 ટ્રેક્ટર, 2 હિટાચી, 150 જેટલા મજૂર, 38 ગેસ કટરની મદદથી ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવનાર છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાજેતરમાં જે 1357 જેટલા સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવા નોટિસ પાઠવી હતી, જેના પર હાઈકોર્ટે સ્ટે આપેલો છે. જયારે મહાનગરપાલિકાની જમીન ઉપર રહેલા દબાણો પૈકી ટીપીનો રોડ ખોલવા ડિમોલીશન હાથ ધરવામાં આવશે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચાલુ સપ્તાહના અંતમાં અથવા સોમવારે મેગા ડિમોલિશન સાથે ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવનાર છે. આ માટે મનપા દ્વારા વોર્ડ નંબર 2, 3, 7, 13, 14 અને 17ના અધિકરીઓને સ્ટેન્ડ બાય રહેવા તેમજ સુપરવાઈઝર અને કોન્ટ્રાકટરને પણ હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. આ વોર્ડમાંથી કુલ 21 જેસીબી, 26 ટ્રેકટર, 2 હિટાચી, 150 જેટલા મજુર, 38 ગેસ કટર, 18 ટ્રેકટર બ્રેકર મદદથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવનાર છે. એટલું જ નહિ આ ડિમોલિશન માટે અત્યારથી જ જેસીબી અને હિટાચી મશીનના ડ્રાઇવરના નામ નંબર સાથે લિસ્ટ તૈયાર કરી રાખવા સૂચના આપવામાં આવી છે.
ગત વર્ષે રાજકોટ મનપા દ્વારા સાગરનગર, લલુડી વોંકળી અને જંગલેશ્વર વિસ્તારના આશરે 992થી વધુ લોકોને ગેરકાયદે દબાણ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી. આ સમયે પણ વિસ્તારના લોકો દ્વારા તંત્રને આવેદનપત્ર પાઠવી ડિમોલિશન ન કરવા અથવા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટે રજૂઆત કરી હતી. જે ગેરકાયદે દબાણો પર નોટિસ પાઠવવામાં આવી હતી, તે તમામ લોકોને તેમની પાસે જો આધારપુરાવા હોય તો રજૂ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જો કે, આ પૈકી મોટા ભાગના લોકો પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા.

