ગુજરાત

સહકાર મંત્રીને નાબાર્ડ નાફેડનો તફાવત ખબર નથી, અભિનંદન આપવામાં લોચો માર્યો

Published

on

ગુલ્લીબાજ શિક્ષકોનેલઇને શિક્ષણ વિભાગ પર માછલાં ધોવાઇ રહ્યાં છે. આ મુદ્દાને કારણે શિક્ષણ વિભાગ જ નહીં, સરકારની આબરૂૂ ધૂળધાણી થઇ છે એનુ કારણ એ છે કે, શાળામાં શિક્ષકોની ગેરહાજરીને કારણે બાળકોના ભણતર પર કેવી અસર થઇ રહી છે તે મામલે વાલીઓ ચિંતિત છે. જયારે આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે, ત્યારે ભાજપના ધારાસભ્યો લાજવાને બદલે ગાજી રહ્યાં હોય તેમ લાગી રહ્યુ છે.


વિધાનસભા ગૃહમાં જયારે ગુલ્લીબાજ શિક્ષકોનો મુદ્દો ગાજ્યો ત્યારે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે વિદેશ પ્રવાસે ઉપડેલાં એકેય શિક્ષકને પગાર ચૂકવાયો નથી તેમ જાણે સિઘ્ધી મેળવી હોય તે રીતે જવાબ આપ્યો હતો. એ તો ઠીક, પણ ભાજપના ધારાસભ્ય પ્રવિણ માળીએ તો હદ કરી. તેમણે તો કહ્યું કે, વિદેશ પ્રવાસે ગયેલાં અને સતત ગેરહાજર રહેનારાં એકેય શિક્ષકને પગાર ચૂકવાયો નથી તે બદલ ભૂપેન્દ્ર પટેલની સરકારને ખુબ ખુબ અભિનંદન… ખુદ સહકાર મંત્રી જગદીશ પંચાલને જ નાફેડ અને નાબાર્ડ વચ્ચેનો તફાવત ખબર નથી.
સહકારી બેંકોના મામલે વિપક્ષે બેન્ક ખાતા ખોલાવવા દબાણ કરવામાં આવી રહ્યુ છે તેવો આક્ષેપ કરતાં મંત્રી જગદીશ પંચાલે જવાબ આપવામાં જરાય કસર છોડી ન હતી પણ વિધાનસભા ઉપાઘ્યક્ષ જેઠા ભરવાડને અભિનંદન આપવામાં ભાંગરો વાટ્યો હતો.


જગદીશ પંચાલે જેઠા ભરવાડને નાબાર્ડના ચેરમેન તરીકે નિયુક્તિ થતાં અભિનંદન પાઠવ્યા હતાં. જોકે, અઘ્યક્ષે ભૂલ સુધારી કહ્યુંકે, મંત્રી નાબાર્ડ નહી પણ નાફેડના ચેરમેન બન્યાં છે. આમ, મંત્રી જગદીશ પંચાલને નાબાર્ડ અને નાફેડ વચ્ચેના તફાવતનો ખ્યાલ રહ્યો નહીં. અભિનંદન આપવાના ઉત્સાહમાં મંત્રી પંચાલે લોચો માર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version