રાજકોટની ખાનગી સોસાયટીઓને સફાઇ માટે ગ્રાન્ટ આપવા વિચારણા

ગ્રાન્ટ માટેના ધારાધોરણો નક્કી કરાશે : સફાઇ કામદારો રાખવા સહિતની વ્યવસ્થા સોસાયટીએ પોતાની રીતે કરવી પડશે : મનપા માત્ર ટીપરવાનમાં કચરો લઇ જશે રાજકોટ મહાનગરપાલિકા…

ગ્રાન્ટ માટેના ધારાધોરણો નક્કી કરાશે : સફાઇ કામદારો રાખવા સહિતની વ્યવસ્થા સોસાયટીએ પોતાની રીતે કરવી પડશે : મનપા માત્ર ટીપરવાનમાં કચરો લઇ જશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતાની સ્થિતિ સુધારવા અને વહીવટી પ્રક્રિયાને વધુ લોકાભિમુખ બનાવવા માટે એક મહત્વપૂર્ણ યોજના પર વિચારણા હાથ ધરવામાં આવી છે. સામાન્ય રીતે રાજકોટની વિવિધ ખાનગી સોસાયટીઓમાંથી સફાઈ વ્યવસ્થાને લઈને દરરોજ અસંખ્ય ફરિયાદો કોર્પોરેશન સુધી પહોંચતી હોય છે. સફાઈ કામદારો નિયમિત ન આવવા, કચરો યોગ્ય રીતે ન ઉપાડવો કે ગંદકીના સામ્રાજ્યને કારણે રહીશો પરેશાન થતા હોય એ સહિતની ફરિયાદોનો મારો કાયમી બની ગયો છે. આ જટિલ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવવા માટે મનપાએ એક નવો જ વચલો રસ્તો અપનાવવાનું નક્કી કર્યું છે. આ નવી યોજના અંતર્ગત મનપા દ્વારા હવે ખાનગી સોસાયટીઓને સફાઈ કામગીરી માટે સીધી આર્થિક ગ્રાન્ટ ફાળવી દેવામાં આવશે, જેથી સોસાયટીઓ પોતાની અનુકૂળતા મુજબ વ્યવસ્થા કરી શકે.

મનપા દ્વારા આ યોજનાનો અમલ થતાંની સાથે જ જે તે ખાનગી સોસાયટીએ સફાઈ માટેની તમામ વ્યવસ્થાઓ પોતાની રીતે જ ગોઠવવી પડશે. સોસાયટીના સત્તાધીશો અને રહીશોને સંતોષ થાય તે પ્રકારે તેઓ આ ગ્રાન્ટની રકમમાંથી સફાઈનું આયોજન કરી શકશે. આ અંતર્ગત સોસાયટી વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અને વસ્તીને ધ્યાનમાં રાખીને કેટલા સફાઈ કામદારો રાખવા, તેમને કેટલો અને કેવી રીતે પગાર ચૂકવવો તેની સત્તા સોસાયટી પાસે રહેશે. આ ઉપરાંત સોસાયટીના આંતરિક રસ્તાઓ પર દિવસમાં કેટલી વાર સફાઈ કરાવવી, કચરાનો નિકાલ કઈ રીતે કરવો તે સહિતની તમામ પાયાની જવાબદારીઓ હવે સોસાયટીના મેનેજમેન્ટની રહેશે. આ વ્યવસ્થાથી સ્થાનિક સ્તરે મોનિટરિંગ સરળ બનશે અને સફાઈ પ્રક્રિયા વધુ સંગીન બનશે તેવો આશાવાદ સેવાઈ રહ્યો છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાનગી સોસાયટીઓ માટે આ અનોખી ગ્રાન્ટ યોજના અમલમાં લાવવા પાછળ એક મોટો અને દીર્ઘદ્રષ્ટિવાળો લક્ષ્યાંક છુપાયેલો છે. કેન્દ્ર સરકાર દ્વારા યોજાતા રાષ્ટ્રીય સ્તરના ’સ્વચ્છ સર્વેક્ષણ’માં રાજકોટ શહેરને સમગ્ર દેશમાં પ્રથમ એટલે કે અવ્વલ ક્રમે લાવવા માટેના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મનપાનું માનવું છે કે જ્યાં સુધી ખાનગી સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારો આંતરિક રીતે સંપૂર્ણ સ્વચ્છ નહીં બને, ત્યાં સુધી સમગ્ર શહેરને નંબર વન બનાવવાનું સપનું સાકાર થઈ શકે નહીં. આથી, જનભાગીદારી વધારવા અને દરેક નાગરિકને સ્વચ્છતાના આ મહાયજ્ઞમાં જોડવાના ભાગરૂૂપે આ યોજના ઝડપથી અમલી બનાવવાની સૈદ્ધાંતિક વિચારણા ચાલી રહી છે.

ગ્રાન્ટ આપ્યા પછી પણ મનપાનું ડે-ટુ-ડે કડક મોનિટરિંગ રહેશે
આ યોજનાનો અર્થ એવો બિલકુલ નથી કે રાજકોટ મહાનગરપાલિકા પોતાની મૂળભૂત જવાબદારીઓમાંથી હાથ ઊંચા કરી લેશે કે છટકી જશે. કોર્પોરેશન વહીવટી અને આર્થિક મદદ આપવાની સાથે પોતાનું સુપરવિઝન અને કડક મોનિટરિંગ સતત ચાલુ જ રાખશે. મનપાના આરોગ્ય અને સફાઈ વિભાગના અધિકારીઓ દ્વારા સોસાયટીઓમાં સફાઈ વ્યવસ્થા બરાબર ચાલે છે કે નહીં તેનું ડે-ટુ-ડે નિરીક્ષણ કરવામાં આવશે. સોસાયટીઓને આર્થિક સ્વાયત્તતા આપવાની સાથે તેમની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. આ મોનિટરિંગ સિસ્ટમ એટલા માટે રાખવામાં આવી છે જેથી સરકારી નાણાંનો દુરુપયોગ ન થાય અને સોસાયટીઓમાં વાસ્તવિક સ્તરે સ્વચ્છતા જળવાઈ રહે.

નિયમોનો ભંગ થશે કે ફરિયાદો આવશે તો ગ્રાન્ટ તાત્કાલિક બંધ
આ યોજનામાં પારદર્શિતા અને ગુણવત્તા જાળવી રાખવા માટે મનપાએ કડક શરતો પણ મૂકી છે. દૈનિક મોનિટરિંગ દરમિયાન જો કોઈ સોસાયટીની સફાઈ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની કમી કે બેદરકારી જોવા મળશે, તો મનપા દ્વારા તાકીદે પગલાં લેવાશે. એટલું જ નહીં, જો સોસાયટીના જ રહીશો તરફથી સફાઈ બાબતે કે ગ્રાન્ટના દુરુપયોગ અંગે કોર્પોરેશનને કોઈ પણ પ્રકારની ફરિયાદો મળશે, તો મનપા તેની ક્રોસ વેરીફિકેશન કરીને સોસાયટીને અપાતી ગ્રાન્ટ તાત્કાલિક અસરે બંધ કરી દેશે. આ કડક જોગવાઈ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સોસાયટીના પદાધિકારીઓ ગ્રાન્ટ મેળવ્યા બાદ પણ સફાઈના કામમાં કોઈ આળસ કે ગુણવત્તા સાથે બાંધછોડ ન કરે અને રહીશોને પૂરતો સંતોષ મળે.