Site icon Gujarat Mirror

શુભમુહૂર્તમાં જ કનેક્ટિવિટીના ધાંધિયા, દસ્તાવેજ નોંધણી ખોરવાઇ

ગમે ત્યારે જંત્રી દરો વધવાની શક્યતાના કારણે દસ્તાવેજ નોંધાવવા ધસારાના સમયે જ જી-સ્વાનના ડબલા ડૂલ, વકીલો-અરજદારોમાં દેકારો

ગુજરાતમાં નવાજંત્રી દરોની ગમે ત્યારે અમલવારી થવાની શક્યતા વચ્ચે આવે અખાત્રીજના શુભ મુહૂર્તમાં દસ્તાવેજોની નોંધણી માટે ધસારો હતો તેવા સમયે વ સરકારી-જી સ્વાન કનેક્ટિવીટી ખોરવાઇ જતા દસ્તાવેજોની નોંધણી ઠપ થઇ ગઇ હતી.
આજે અક્ષય તૃતીયાના શુભ દિવસે મોટી સંખ્યામાં લોકો પોતાની પ્રોપર્ટીના દસ્તાવેજોની નોંધણી કરાવવા માટે ઉમટી પડ્યા હતા. જો કે, શહેરની ડીએચ કોલેજ ખાતે આવેલી રજીસ્ટ્રાર કચેરીમાં BSNLની કનેક્ટિવિટી ન મળતા ભારે હોબાળો થયો હતો. કનેક્ટિવિટીના અભાવે દસ્તાવેજની પ્રક્રિયા અટકી પડતા વકીલો અને અરજદારોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

સ્થિતિ વણસતી જોઈને તાત્કાલિક ધોરણે અરજદારોને જિલ્લા ભવન નોંધણી કચેરી ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીં પણ સર્વર ધીમું હોવાના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. એક તરફ ડીએચ કોલેજથી જિલ્લા ભવન સુધી અરજદારોના ધસારાને અવ્યવસ્થાના દ્રશ્યો સર્જાયા હતા, તો બીજી તરફ જિલ્લા ભવન ખાતે પણ સર્વરની ગતિ ધીમી હોવાથી દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ખૂબ જ ધીમી પડી ગઈ હતી.

સર્વરની સમસ્યાના કારણે અનેક અરજદારો કલાકો સુધી રાહ જોવા માટે મજબૂર બન્યા હતા અને તેઓએ ભારે હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. અક્ષય તૃતીયા જેવા શુભ દિવસે પણ તંત્રની બેદરકારીના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે તે અંગે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ ઘટનાને કારણે પ્રોપર્ટીની નોંધણી કરાવવા આવેલા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

Exit mobile version