લાંબી મથામણ પછી અંતે કોંગ્રેસે કેરલમના મુખ્યમંત્રી પદે વી.ડી. સતીશનને બેસાડવાનો નિર્ણય લઈ લીધો. કેરળ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે ડાબેરી મોરચાને પછડાટ આપી પછી મુખ્યમંત્રીપદે કોને બેસાડવા એ માટે કોંગ્રેસમાં ધમાાસણ મચેલું. બન્યું એવું કે ભાજપ જીત્યો છે એ આસામ, પશ્ચિમ બંગાળમાં તો નવા મુખ્યમંત્રીની તાજપોશી પણ થઈ ગઈ ને નવી સરકારો પણ રચાઈ ગઈ પણ કોંગ્રેસનો ડખો નહોતો ઉકેલાતો. કોંગ્રેસે દસ દિવસના ઘમાસાણના અંતે છેવટે સતીશન પર કળશ ઢોળતાં હાલ પૂરતો ડખો તો ઉકેલાયો પણ સતીશન અણધાર્યા આવી પડેલા સ્કાયલેબ જેવા છે તેથી નવા ડખાનાં મંડાણ થયાં હોય એવું લાગી રહ્યું છે. આ નવા ડખાનાં મંડાણની આશંકાનું કારણ કોંગ્રેસની જૂથબંધી છે.
કેરલમ કોંગ્રેસમાં જેટલા નેતા એટલાં જૂથ છે. આ કારણે જ સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં કોંગ્રેસ હાઈકમાન્ડ ગૂંચવાઈ ગયેલું. તેનું કારણ એ હતું કે, કેરલમ કોંગ્રેસમાં ક્ધયા એક ને મુરતિયા ઝાઝા એવી હાલત હતી. આ ગૂંચવાડામાંથી નિકળવા બેઠકો પર બેઠકો થઈ ને છેવટે કે.સી. વેણુગોપાલ, રમેશ ચેન્નીથલા અને વી. ડી. સતીશનમાંથી કોઈ એક ગાદી પર બેસશે એવું નક્કી થયેલું. કેટલેક ઠેકાણે વળી શશિ થરૂૂરનું નામ પણ ચાલતું હતું પણ થરૂૂરના નહેરૂૂ-ગાંધી ખાનદાન અને કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેના મધુર સંબંધોને જોતાં થરૂૂર તો નહીં જ બેસે એ એકદમ પાકું હતું. બાકી રહેલા ત્રણમાંથી વેણુગોપાલનો ઘોડો વિનમાં લાગતો હતો કેમ કે વેણુગોપાલ રાહુલ ગાંધીના ખાસમખાસ છે.
વેણુગોપાલ પણ રાજાપાઠમાં હતા કેમ કે બહુમતી ધારાસભ્યો તેની તરફેણમાં હતા. વેણુગોપાલનું પત્તું કાપીને સતીશનને ગાદી પર બેસાડવાનો નિર્ણય સતીશને ખેલેલા દાવપેચનું પરિણામ છે. સતીશન ધાર્યા કરતાં વધારે કાબા સાબિત થયા તેમાં કોંગ્રેસ હાઈકમાન્ડે છેવટે તેમની પસંદગી કરવી પડી છે. કોગ્રેસે વેણુગોપાલને પસંદ નહીં કરીને ભૂતકાળની ભૂલ સુધારી છે. 2018માં કોંગ્રેસે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં જીત મેળવી ત્યારે મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજસ્થાનમાં સચિન પાયલોટ એ બે યુવા નેતા મુખ્યમંત્રીપદ માટે પ્રબળ દાવેદાર હતા. તેમને સત્તા સોંપવાના બદલે કોંગ્રેસે નહેરુ-ગાંધી ખાનદાનના ચાપલૂસ એવા કમલનાથ અને અશોક અને અશોક ગેહલોતને ગાદી સોંપી તેમાં બંને રાજ્યોમાં કોંગ્રેસનું નામું નંખાઈ ગયું. મધ્ય પ્રદેશમાં તો કોંગ્રેસની સરકાર સવા વરસમાં જ ઘરભેગી થઈ ગયેલી.
વેણુગોપાલ સામે કોંગ્રેસમાં જ વિરોધ થયેલો ને ઠેર ઠેર વેણુગોપાલને ગાદી પર બેસાડ્યા તો કોંગ્રેસ કેરળમાં પતી જશે એવાં બેનર લાગ્યાં હતાં. કોંગ્રેસની નેતાગીરી તેનાથી ડરી ગઈ એ કારણ છે કે બીજું કંઈ કારણ છે તેની કોંગ્રેસીઓને જ ખબર પણ વેણુગોપાલના બદલે સતીશનના નામ પર મંજૂરીની મહોર વાગી તેમાં કોંગ્રેસ ફાયદામાં રહેશે. તેના કારણે એવો મેસેજ ગયો છે કે, હવે કોંગ્રેસમાં નહેરુ-ગાંધી ખાનદાનની ચાપલૂસી કરનારને જ મોટા હોદ્દા મળે એ દિવસો રહ્યા નથી ને જનાધાર ધરાવતા નેતાઓને પસંદ કરાય છે.
