Site icon Gujarat Mirror

શાળા નં.99ના મુદ્દે પ્રવેશોત્સવમાં કોંગ્રેસનો હલ્લાબોલ, શાસકોનો ઉધડો લીધો

સ્ટેજ માથે બેસવાના અભરખા હોય તો જવાબ દેવાની ત્રેવડ રાખો, ભાજપ નેતાઓને આડે હાથ લેતા કોંગ્રેસના કાર્યકરો: 222 છાત્રો ભાડાના મકાનમાં ભણતા હોવાથી વિરોધ પ્રદર્શન

કોંગ્રેસના કોર્પોરેટર ધરાવતા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.15માં ભાડાના મકાનમાં ચાલતી શાળા નં.99 મુદ્દે આજે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને સ્ટેજ માથે બિરાજમાન ભાજપ નેતાઓ અને અધિકારીઓનો ઉધડો લીધો હતો. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવતાં હોવાની રાવ સાથે સ્ટેજ પર બેસવાના અભરખા રાખનાર શાસકોને જવાબ આપવાની ત્રેવડ રાખવા પણ કોંગ્રેસ કાર્યકરોએ આડે હાથ લેતા સંભળાવી દીધું હતું.

રાજકોટની શાળા નંબર-29માં યોજાયેલા શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન ભાડામાં ચાલતી શાળા મુદ્દે કોંગ્રેસના મંત્રીએ કોંગ્રેસ અને ભાજપના નેતાઓને આડેહાથ લીધા અને કહ્યું હતું કે, સ્ટેજ પર બેસવાના અભરખા હોય તો વિસ્તારના પ્રશ્નો ઉકેલવાની પણ તૈયારી રાખજો.

જનરલ બોર્ડમાં વખતો વખત અને રૂબરૂમાં અનેક વખત રજૂઆત કરી
શાળા નં.99ના મુદ્દાને લઈને મનપાનાં જનરલ બોર્ડમાં વખતો વખત દરખાસ્ત કરવામાં આવી છે અને રૂબરૂમાં અનેક વખત શાસકો અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. વોર્ડ નં.15માં કારખાના બેફામ ચાલે છે નવા પણ બન્ને છે અને તોડવાની ધમકી આપી હપ્તા ઉઘરાવાય છે તો શાળા માટે કેમ્પ ટીપી મંજુર થતી નથી. વહેલી તકે શાળા માટે બિલ્ડીંગ નહીં બને તો આક્રમક આંદોલન કરવામાં આવશે.
વશરામભાઈ સાગઠીયા
વિપક્ષી નેતા (કોર્પોરેટર વોર્ડ નં.15)

છેલ્લા 17 વર્ષથી ભાડાના મકાનથી ચલાવાતું શિક્ષણ
શાળા નં.99 2008થી એટલે કે છેલ્લા 17 વર્ષથી ભાડાના મકાનમાં ચાલી રહી છે. બાળકોની સંખ્યા વધવા છતાં પણ આજદિન સુધી શાળાને પોતાનું બિલ્ડીંગ મળ્યુ નથી. વોર્ડ નં.15માં ટીપી ફાઈનલ નહીં થઈ હોવાથી જમીન સંપાદન થતી નથી તેવું રટણ શાસકો દ્વારા કરવામાં આવી રહ્યું છે તો શું 17 વર્ષથી ટીપીની પ્રક્રિયા કરવામાં આવી નથી કે પછી કોંગ્રેસ શાસિત વોર્ડ હોવાથી ઓરમાયું વર્તન કરવામાં આવે છે. આખલાની લડાઈમાં ઝાડનો ખો નિકળી રહ્યાની ચર્ચા કોંગ્રેસના કાર્યકરોમાં થઈ રહી છે.

શાળા નંબર 99 ભાડાનાં મકાનમાં ચાલે છે. જેમાં ધોરણ-1થી 5નાં 222 છાત્રો વચ્ચે માત્ર 4 રૂૂમ અને 2 બાથરૂૂમ છે તેમજ બિલ્ડિંગની હાલત પણ જર્જરિત છે. આ ઉપરાંત ટોયલેટની બાજુમાં જ અભ્યાસ અને પીવાનું પાણી પણ ત્યાં જ છે. સરકારી શાળાની બદતર હાલત ગુજરાત સરકારના શિક્ષણનાં મોડેલને શર્મસાર કરે છે. શાળા નંબર-99માં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિત રાજપૂતે રજૂઆત કરી હતી અને જો ગરીબ પરિવારના બાળકોના આ ગંભીર પ્રશ્નનો તાકીદે નિકાલ નહિ આવે તો આ પ્રવેશોત્સવમાં કોંગ્રેસ વિરોધ અને દેખાવો કરી વાસ્તવિકતા ઉજાગર કરશે એવી ચીમકી ઉચ્ચારી હતી.

રાજકોટ શહેર કોંગ્રેસના મંત્રી નરેશ પરમારે શાળા નંબર-29માં યોજાયેલા શાળા પ્રવેશોત્સવ દરમિયાન વોર્ડ નંબર-15ના કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયા, નિલેશ હેરમા, અરવિંદ મુછડીયા અને સામજી ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ તેમજ ભાજપના કાર્યકર્તાઓને આડે હાથ લેતા કહ્યું કે, શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમના ફતવા કરો છો. વોર્ડ નંબર-15માં શાળા નંબર-99 ભાડાના મકાનમાં ચાલે છે તે ધ્યાન રાખજો. સ્ટેજમાં બેસવા અને સન્માન કરતા પહેલાં તમારા વિસ્તારમાં વિદ્યાર્થીઓ હેરાન થાય છે તે જોજો. સ્ટેજ પર બેસવાના અભરખા હોય તો વિસ્તારના પ્રશ્નો સોલ્વ કરવાની ત્રેવડ રાખજો.

Exit mobile version