ગુજરાત
સુલતાનપુરમાં ફર્નિચરના વેપારીની જમીન ઉપર કબજો કરનાર બે કૌટુંબિક સામે ફરિયાદ
1 કરોડની જમીન ખાલી નહીં કરતા લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે અંકલેશ્ર્વરના ફર્નિચરના વેપારીની જમીન ઉપર કબ્જો કરનાર તેના જ બે કૌટુંબીક ભાઈઓ સામે લેન્ડગ્રેબીંગ હેઠળ ગુનો નોંધાયો છે. ત્રણ ભાઈઓ વચ્ચે જમીનના ભાગ પડ્યા બાદ એક કરોડની જમીન ઉપર બે સગાભાઈઓએ કબ્જો કરતા અને ખાલી નહી કરતા કલેક્ટરમાં થયેલી અજીને આધારે ગુનો નોંધવા હુકમ કરાયો હતો. મળતી વિગતો મુજબ મુળ ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના વતની અને હાલ અંકલેશ્ર્વર જીઆઈડીસી આરડીએલ 46 એસ નવા દેરાસરની બાજુમાં અને ફર્નિચરનો વેપાર કરતા ચંદુભાઈ વલ્લભભાઈ હિરપરા (ઉ.વ.52)એ નોંધાયેલી ફરિયાદમાં આરોપી તરીકે સુલતાનપુર ગામના મચ્છુઆઈ ચોક રીંગદાર રોડ ઉપર રહેતા હરેશ મેપા હિરપરા અને તેના ભાઈ પંકજ મેપા હિરપરાનું નામ આપ્યું છે.
ફરિયાદમાં ચંદુભાઈએ જણાવ્યા મુજબ તેઓ ત્રણ ભાઈઓ હોય અને સુલતાનપુર ગામે તેની પરિવારની વડિલો પારજીત જમીન આવેલ હોય જેના ત્રણેય ભાઈઓ વચ્ચે ભાગ પડ્યા હતા. જેમાં તેમના ભાગે સુલતાનપુર ગામની રેવન્યુ સર્વે નં. 115 પૈકી-1ની બે હેક્ટર અને 2.34 ચો.મી. જમીન તેમના ભાગમાં આવી હોય જે જમીનના જંત્રી મુજબની હાલની કિંમત રૂા. 1 કરોડ છે.
જમીનના ભાગ પડ્યા તે પૂર્વે આ જમીન ભાઈઓ અને કૌટુંબીક ભત્રીજાઓ પાસે હોય અને ત્રણેય ભાઈઓ વચ્ચે ભાગ પડ્યા બાદ આ જમીન ઉપર કૌટુંબીક હરેશ મેપા હિપપરા અને પંકજ મેપા હિરપરાએ કબ્જો કર્યો હોય તેના કોઈ પણ જાતના હક અને દાવા ન હોવા છતાં આ જમીન ઉપર કબ્જો કર્યો હોય જેથી ચંદુભાઈએ અવાર નવાર આ જમીન ખાલી કરવા વાતચીત કરી હતી. પરંતુ બન્ને ભાઈઓએ જમીન ખાલી કરવાની ના પાડી બળજબરીથી આ જમીન પચાવી પાડી હોય જેથી ચંદુભાઈએ આ બાબતે કલેક્ટરમાં કરેલી અરજી બાદ જરૂરી દસ્તાવેજો ચકાસી આ મામલે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની કલમ હેઠળ લેન્ડગ્રેબીંગ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.