Site icon Gujarat Mirror

કમિશનર ત્રાટક્યા, બે લેટલતીફ ઝડપાયા

સવારે કચેરી ખુલવાના સમયે વોર્ડ ઓફિસ, આરોગ્ય કેન્દ્ર અને વેસ્ટઝોન કચેરીમાં કરેલું ચેકિંગ

રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ કચેરીઓમાં કર્મચારીઓ સમયસર હાજર રહેતા નહીં હોવાની ફરિયાદો બાદ આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ અચાનક કર્મચારીઓની હાજરી અંગે ત્રણ સ્થળે ચેકીંગ કરતા બે કર્મચારીઓ ગુટલી મારતા ઝડપાઈ ગયા હતાં. આ બન્ને કર્મચારીઓ સામે શિસ્તભંગની કાર્યવાહી હાથ ધરાતા ગુટલીબાજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે.

મળતી માહિતી મુજબ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા આજે સવારે અચાનક ફિલ્ડમાં નિકળ્યા હતાં અને સૌપ્રથમ વોર્ડ નં. 11ની વોર્ડ ઓફિસમાં કર્મચારીઓની હાજરી અંગે ચેકીંગ કર્યુ હતું. ત્યાર બાદ નાનામવા આરોગ્ય કેન્દ્રમાં પણ ચેકીંગ કર્યુ હતું. ત્યાંથી મ્યુનિસિપલ કમિશનર વેસ્ટઝોન કચેરીમાં પહોંચ્યા હતાં અને સવારે 10:30 વાગ્યે કેટલાક કર્મચારીઓ કચેરીમાં હાજર થયા છે અને કેટલા લેઈટ લતીફ છે. તે અંગે ચેકીંગ હાથ ધરતા ટાઉન પ્લાનીંગ વિભાગના એક મહિલા કર્મચારી તથા એક ડેપ્યુટી એક્ઝિક્યુટીવ ઈજનેર ઝપટે ચડી ગયા હતાં.

મ્યુનિસિપલ કમિશનરે આ બન્ને કર્મચારીઓની ગેરહાજરીની નોંધ લી શિસ્ત ભંગના પગલા લેવા માટે નોટીસ પાઠવતા કચેરીમાં મોડા આવતા લેટ લતિફોમાં ફફડાટની લાગણી ફેલાઈ છે.ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકામાં કેટલાક કર્મચારીઓ ઈચ્છા પડે ત્યારે કચેરીમાં આવે છે અને ઈચ્છા પડે ત્યારે ઘરભેગા થઈ જતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી. જેના પગલે કમિશનરે ચેકીંગ હાથ ધર્યુ હતું. આગામી દિવસોમાં પણ કમિશનર દ્વારા રેગ્યુલર ચેકીંગ ચાલુ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.

 

Exit mobile version