શ્રીનાથજી સોસાયટીમાં ટૂંકા વસ્ત્રો પહેરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી ; વાહનમાં તોડફોડ

શહેરમાં મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં ટૂંકા વસ્ત્રો પહેરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જેમાં સામસામે પક્ષે દંપતિ અને મામા ભાણેજને ઇજા પહોંચતા…

શહેરમાં મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં ટૂંકા વસ્ત્રો પહેરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જેમાં સામસામે પક્ષે દંપતિ અને મામા ભાણેજને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે મારામારી દરમિયાન કાર અને બે સ્કૂટરમાં તોડફોડ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મવડી વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ મુળુભાઇ અવાડિયા (ઉ.વ.37) અને નવલનગરમાં રહેતા તેના ભાણેજ અક્ષિતભાઈ ચંદુભાઈ સોનારા (ઉ.વ.20) રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં શ્રીનાથજી સોસાયટીમાં હતા ત્યારે રવિ રાઠોડ સહિતના શખ્સોએ છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. જ્યારે વળતા પ્રહારમાં મુકેશભાઈ ભાણજીભાઈ રાઠોડ (ઉ.વ.50) અને તેમના પત્ની નીતાબેન મુકેશભાઈ રાઠોડ (ઉ.વ.45) પર સાવન અને જીત સહિતના શખ્સો છરી અને ધોકા વડે તૂટી પડ્યા હતા મારામારીમાં ઘવાયેલા દંપતી અને મામા ભાણેજને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત દંપતીની પુત્રીએ આક્ષેપ કર્યો છે કે પ્રદીપભાઈ અવાડીયા તેમના પાડોશી છે અને ટૂંકો ચડો પહેરી ઘર બહાર બેસે છે જે અંગે ઠપકો આપતા પ્રદીપભાઈ અવાડિયાએ ઝઘડો કર્યો હતો અને બાદમાં તેના ભાણેજ અક્ષીત સોનારા અને સાવન છરી સાથે ધસી આવ્યા હતા અને મુકેશભાઈ રાઠોડ અને નીતાબેન રાઠોડ ઉપર હુમલો કરી એક કાર અને બે સ્કૂટરમાં તોડફોડ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.