ગોંડલ યાર્ડના વેપારી સાથે ઉંચા ભાવે ડુંગળી ખરીદીના બહાને રૂા.21.38 લાખની ઠગાઇ

ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડમાં આવેલી ‘ખુશ્બુ ટ્રેડિંગ’ નામની પેઢીના ભાગીદાર સાથે ગોધરાના એક વેપારીએ ઉચા ભાવે ડુંગરી ખરીદીના નામે રૂૂ. 21.38 લાખની છેતરપીંડી કર્યાનો બનાવ…

ગોંડલના નવા માર્કેટિંગ યાર્ડમાં આવેલી ‘ખુશ્બુ ટ્રેડિંગ’ નામની પેઢીના ભાગીદાર સાથે ગોધરાના એક વેપારીએ ઉચા ભાવે ડુંગરી ખરીદીના નામે રૂૂ. 21.38 લાખની છેતરપીંડી કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ગોંડલ સીટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, ગોંડલના મોવિયા રોડ પર રહેતા અને નવા માર્કેટિંગ યાર્ડમાં લસણ-ડુંગળીનો વેપાર કરતા 60 વર્ષીય જુમ્માભાઈ ઇબ્રાહીમભાઈ દોઢિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. 12 ઓગસ્ટ 2026ના રોજ ગોધરાની ‘શ્રીજી આલુ ભંડાર’ પેઢીના માલિક રાહુલ નામના શખ્સે તેમનો સંપર્ક કર્યો હતો. તેણે ડુંગળી ખરીદવાનો ઓર્ડર આપી ઊંચા ભાવ આપવાની લાલચ આપી હતી અને પૂરા નાણાં ચૂકવી દેવાનો વિશ્વાસ આપ્યો હતો.

વિશ્વાસમાં આવીને જુમ્માભાઈ અને તેમના ભાગીદારોએ 12 ઓગસ્ટથી 28 ઓગસ્ટ 2026 દરમિયાન અલગ-અલગ ઝિીભસ મારફતે કુલ 2,169 થેલી (86,778 કિલોગ્રામ) ડુંગળી મોકલી આપી હતી, જેની કુલ કિંમત રૂૂ.29,38,431 થતી હતી.

સામે પક્ષે આરોપી રાહુલે આંગડિયા પેઢી મારફતે કટકે-કટકે માત્ર રૂૂ.8,00,000 ની ચુકવણી કરી હતી. પરંતુ બાકી નીકળતા રૂૂ.21,38,431 ચૂકવવામાં અવારનવાર ખોટા બહાના બતાવ્યા હતા. આખરે 30 ઓગસ્ટથી આરોપીએ પોતાનો ફોન બંધ કરી દેતા વેપારીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.
વેપારી અને તેના ભાગીદારોએ પોતાની રીતે ઉઘરાણીના નાણાં મેળવવા પ્રયાસો કર્યા બાદ, આખરે ગોંડલ સીટી ‘બી’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી રાહુલ (રહે. ગોધરા, જી. પંચમહાલ) સામે ગુનો નોંધી પી.એસ.આઈ. એસ.વી. ડાંગરે વધુ તપાસ હાથ ધરી છે. અગાઉ પણ જેતપુરના ધોરાજી રોડ પર રહેતા અને ડુંગળી-લસણનો હોલસેલ વેપાર કરતા કલ્પેશભાઈ મહેશભાઈ ભાગવાણી (ઉ.વ. 36) સાથે રાહુલે રૂૂ.1.61 લાખની છેતરપીંડીની ફરિયાદ કરી હતી, ગત ઓગસ્ટ માસમાં તેમના પરિચિત ડ્રાઈવર મારફતે ગોધરાના જહુપુરા શાકમાર્કેટ પાસે ‘શ્રીજી આલુ ભંડાર’ નામે વેપાર કરતા રાહુલભાઈએ ડુંગરી મંગાવી રૂૂ.15.61 લાખ નહી આપી છેતરપિંડી કર્યાનો ગુનો નોંધાયો હતો.