Site icon Gujarat Mirror

સિવિલ હોસ્પિટલના તબીબોનો નવેમ્બર માસનો પગાર ચૂકવવામાં વિલંબ થતા દેકારો

નેશનલ મેડિકલ કાઉન્સીલના નિયમનો ઉલાળિયો, એપ્રિલ મહિનાથી એરિયર્સ ચૂકવવા પણ તંત્રની આડોડાઇ

રાજકોટ શહેરની પીડીયુ સિવિલ હોસ્પિટલ અવાર નવાર વિવાદોમા આવે છે ત્યારે પીડીયુ મેડીકલ કોલેજના અનેક રેસીડેન્ટ ડોકટરો દ્વારા અલગ અલગ વિભાગોમા ફરજ બજાવવામા આવી રહી છે. ત્યારે આ રેસીડેન્ટ ડોકટરોને નેશનલ મેડીકલ કાઉન્સીલના નિયમો મુજબ મહિનાના શરૂઆતની તારીખ 1 થી પ સુધીમા પગાર આપી દેવાનો નિયમ છે. આમ છતા નવેમ્બર મહિનાનો પગાર રેસીડેન્ટ તબીબોને ચુકવવાનો બાકી હોવાથી તબીબોમા દેકારો મચી ગયો હોવાનુ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.


રાજકોટ શહેરની પીડીયુ મેડીકલ કોલેજના રેસીડેન્ટ તબીબો દ્વારા ર4 કલાક દર્દીઓની સારવાર કરવામા આવે છે. ત્યારે તંત્ર દ્વારા તબીબોના કેટલાક પ્રશ્ર્નો સાંભળવામા નિષ્ફળ જતુ હોવાનુ સામે આવી રહયુ છે. હાલ તબીબી સુત્રોમાથી જાણવા મળી રહયુ છે કે રાજકોટ પીડીયુ મેડીકલ કોલેજના રેસીડેન્ટ તબીબોનો નવેમ્બર માસનો પગાર હજુ ચુકવાયો નથી. તેમજ તબીબો દ્વારા થોડા દિવસો પહેલા જ મેડીકલ કોલેજના જવાબદાર વ્યકિતને રજુઆત કરતા તેઓએ હાલ ગ્રાન્ટ પાસ થઇ નથી પાસ થયે તમારા ખાતામા પગાર જમા થઇ જશે તેવો જવાબ મળ્યો હતો. પરંતુ ડીસેમ્બરના 1પ દિવસ વિતી ગયા છતા પણ હજુ સુધી પગાર ચુકવાયો ન હોવાથી હવે પીડીયુ કોલેજના તબીબોમા દેેકારો મચી ગયો છે.


તેમજ તબીબો પાસેથી જાણવા મળ્યુ હતુ કે તાજેતરમા જ આરોગ્ય વિભાગ દ્વારા તબીબોને એરીયસની ચુકવણી કયારે કરવીતે પણ જણાવવામા આવ્યુ હતુ. આમ છતા પીડીયુ મેડીકલ કોલેજના રેસીડેન્ટ તબીબોનુ એપ્રિલ 2024 નુ એરીયસ હજુ સુધી તબીબોને મળ્યુ નથી. તેમજ તબીબો એ ગાંધીનગર સુધી રજુઆત કરી હોવાનુ પણ જાણવા મળી રહયુ છે. તેમજ તબીબોએ જણાવ્યુ હતુ કે તેઓને નિર્ધારીત સમય મુજબ તેઓને પગાર સમયસર મળી જાય તે માટે આગામી દિવસોમા સરકારને રજુઆત કરશે.

Exit mobile version