મહાનગરપાલિકા-જિલ્લા પંચાયતની તમામ બેઠકો અને રાણાવાવ પંચાયતમાં ક્લીન સ્વીપ
પોરબંદર જિલ્લો સંપૂર્ણપણે ’કેસરીયા’ રંગે રંગાયો છે. નવનિર્મિત પોરબંદર મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત, ભાજપે વિપક્ષના સૂપડા સાફ કરી નાખ્યા છે. ખાસ કરીને પોરબંદર મનપામાં કોંગ્રેસ અને અન્ય પક્ષોનો શરમજનક પરાજય થયો છે.
નવી બનેલી પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. કુલ 52 બેઠકોમાંથી તમામ 52 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. કોંગ્રેસ અહીં એક પણ બેઠક મેળવવામાં નિષ્ફળ રહી છે.
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો હતો. પોરબંદર જિલ્લા પંચાયતની કુલ 18 માંથી 18 બેઠકો ભાજપે કબજે કરી છે. નોંધનીય છે કે, 18 માંથી 2 બેઠકો પર અગાઉ જ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા, જ્યારે બાકીની બેઠકો પર આજે જનતાએ ભાજપ પર કળશ ઢોળ્યો છે.
તાલુકા સ્તરે પણ ભાજપનું જોરદાર પ્રદર્શન રહ્યું છે, જોકે વિપક્ષે અહીં માંડ ખાતું ખોલાવ્યું છે. પોરબંદર તાલુકા પંચાયતમાં કુલ 22 બેઠકોમાંથી 20 બેઠકો પર ભાજપનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસે 1 અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક મેળવીને પોતાની હાજરી નોંધાવી છે.
રાણાવાવ તાલુકા પંચાયતમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે. કુલ 14 માંથી તમામ 14 બેઠકો ભાજપના ફાળે ગઈ છે. જયારે કુતિયાણા તાલુકા પંચાયતની કુલ 15 બેઠકોમાંથી અત્યાર સુધી 13 બેઠકોની ગણતરી પૂર્ણ થઈ છે. જેમાં 12 બેઠકો પર ભાજપ અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે.
ગોંડલ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. ગોંડલ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત મેળવી છે. બીજેપીએ તમામ 11 વોર્ડની કુલ 44 બેઠકો પર કબજો કર્યો છે. ગોંડલ પાલિકાની 44 બેઠકોમાંથી 20 બેઠકો ચૂંટણી પહેલા જ બિનહરીફ જાહેર થઈ ગઈ હતી. ગોંડલ નગરપાલિકામાં બાકીની 24 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં ભાજપે ક્લીન સ્વીપ કર્યું છે. ગોંડલમાં વિપક્ષના સૂપડા સાફ થયા છે.
