શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી કાયદાની પકડથી દૂર ભાગતા અને નાસતા-ફરતા આંતરરાજ્ય તથા આંતરજિલ્લાના રીઢા ગુનેગારોને ક્રાઈમ બ્રાન્ચે ઓપેશન કારાવાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં ઓપરેશન પાર પાડીને કુલ 46 જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લઇ જેલ ભેગા કરી દીધા હતા. પકડાયેલ આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક, બળાત્કાર, છેતરપિંડી, લૂંટ-ચોરી અને પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા.
રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક, ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા તેમજ એસીપી (ક્રાઈમ) ભરત બી. બસીયા દ્વારા શહેરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી હતી.
આ આદેશ અન્વયે ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર તથા સી.એચ. જાદવના સીધા માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની અલગ-અલગ વિશેષ ટીમો તૈયાર કરવામાં આવી હતી. ઓપરેશન કારાવાસ હેઠળ આ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી માહિતી એકત્ર કરી ગુજરાત સહિત પાડોશી રાજ્યો જેવા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પણ દરોડા પાડ્યા હતા. છેલ્લા એક માસ દરમિયાન રાત-દિવત મહેનત કરીને આ 46 આરોપીઓને દબોચી લેવામાં પોલીસને મોટી સફળતા મળી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર પકડાયેલા આરોપીઓ પૈકી અલગ-અલગ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોનો સમાવેશ થાય છે જેમાં ગુજસીટોકના ગુનાનો મુખ્ય સાગરીત શૈલેષ ઉર્ફે શૈલો રતનસીંગ કટારા (રહે. દાહોદ), જે છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો, તેને ઝડપી લેવાયો છે. આર્થિક ગુનાઓ આચરનારા અને જી.પી.આઈ.ડી. એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાના બે મુખ્ય આરોપીઓ પારૂલભાઈ જમનાદાસ ભાણવડીયા અને મનીષભાઈ જમનાદાસ ભાણવડીયા (બંને રહે. રાજકોટ) ને છ માસના ટૂંકા ગાળામાં જ શોધી કઢાયા છે. દુષ્કર્મ અને પોક્સો એક્ટમાં ભક્તિનગર અને આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાઓ પર અત્યાચાર ગુજારવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા રાજકુમાર રાજભર (રહે. ઉત્તરપ્રદેશ) અને ગીલદાર માનઠાકોર (રહે. મધ્યપ્રદેશ) ને દબોચી લેવાયા છે. તેમજ સાયબર ક્રાઈમ અને ટેક્સ ચોરી: આઈ.ટી. એક્ટ અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલા આંતરરાજ્ય આરોપીઓ રતનસીંગ સરદાર અને સમદસદઅલી ટાંક (બંને રહે. રાજસ્થાન) તેમજ ગુજરાત મૂલ્યવર્ધિત વેરા અધિનિયમ ના ભંગ બદલ અમદાવાદની કંચનબેન બવારીયાની ધરપકડ કરાઈ છે.
ઉપરાંત આ સ્પેશિયલ ડ્રાઈવમાં સૌથી વધુ 13 આરોપીઓ દારૂની હેરાફેરી અને પ્રોહિબિશનના ગુનામાં પકડાયા છે, જેમાં મોટેભાગે રાજસ્થાનના જોધપુર, જાલોર, બાડમેર અને ચિત્તોડગઢ જિલ્લાના બુટલેગરો સામેલ છે. આ ઉપરાંત ચોરીના 2, હુમલાના ગુનામાં 1 અને જુગાર ધારાનો 1 આરોપી પણ પોલીસ ગીરફ્તમાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચના એ.એસ.આઈ., હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ કક્ષાના પચાસથી વધુ જાંબાઝ કર્મચારીઓએ દિવસ-રાત જોયા વગર આંતરરાજ્ય વિસ્તારો ખૂંદીને ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ક્રાઈમ બ્રાન્ચની આ સરાહનીય કામગીરીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બિરદાવી છે.
વોન્ટેડ આરોપીઓને પકડવા ઓપરેશન પાર પાડનારી DCB ની ટીમ
આ મેગા ઓપરેશનને સફળ બનાવવામાં ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર તથા સી.એચ. જાદવના સીધા માર્ગદર્શન બ્રાન્ચના પી.એસ.આઈ. વી.ડી. ડોડીયા, એ.એન. પરમાર, ડી.પી. ઝાલા, વી.ડી. રાવલીયા, એસ.એમ. રાણા, સી.બી. જાડેજા, એસ.વી. ચુડાસમા અને આર.કે. ગોહીલ સાથે એ.એસ.આઈ. ભરતભાઇ, અમીતકુમાર, દિગ્પાલસિંહ, ઘનશ્યામભાઇ, યશવંતભાઇ, હિતેન્દ્રસિંહ, અનીલભાઇ, સમીરભાઇ, અશોકકુમાર, અમીતકુમાર, રણજીતસિંહ, સંજયભાઇ, વિજયરાજસિંહ, જનકભાઇ, મહેશભાઇ, કનકસિંહ, ગીરીરાજસિંહ, પ્રદિપસિંહ, રાજેશભાઇ,દીપકભાઇ, જયરાજસિંહ, રાહલભાઇ, ધારાભાઇ, સંજયકુમાર, કરણભાઇ, સંજયભાઇ, અમીતકુમાર, કુલદીપસિંહ, કૃષ્ણદેવસિંહ, જયદેવસિંહ, હરસુખભાઇ, અર્જુનભાઇ, મોહીલરાજસિંહ, દિપકભાઇ, મુકેશભાઇ, સાગરભાઇ, યજુવેન્દ્રસિંહ, લાલજીભાઇ, તુલશીભાઇ,સુભાષભાઇ, પ્રતીકભાઇ, કિશનભાઇ, પોપટભાઇ, અરવીંદભાઇ, મહાવીરસિંહ, હરપાલસિંહ, રાજેશભાઇ, ગોપાલભાઇ, મયુરધ્વજસિંહ, અશ્વીનભાઇ, જીલુભાઇ, મનીષભાઇ, ધર્મેશભાઇ,સંજયભાઇ ધીરૂભાઇ, ધર્મરાજસિંહ, નિકુંજભાઇએ કામગીરી કરી હતી.
