રાજકોટ પહોંચેલી તમિલની મનોદિવ્યાંગ મહિલાનું બે વર્ષે AIની મદદથી પરિવાર સાથે પુન:મિલન થયું

આધુનિક ટેક્નોલોજીનો સદુપયોગ જો સાચી દિશામાં કરવામાં આવે તો તે અનેક લોકોના જીવનમાં ખુશીઓ પાછી લાવી શકે છે. આવો જ એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી કિસ્સો…

આધુનિક ટેક્નોલોજીનો સદુપયોગ જો સાચી દિશામાં કરવામાં આવે તો તે અનેક લોકોના જીવનમાં ખુશીઓ પાછી લાવી શકે છે. આવો જ એક હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી કિસ્સો રાજકોટ શહેરમાંથી સામે આવ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપના સંકલનથી છેલ્લા બે વર્ષથી પોતાના પરિવારથી વિખૂટી પડેલી અને રાજકોટમાં નિરાધાર હાલતમાં ભટકતી એક તમિલ મહિલાનું તેના પરિવાર સાથે સુખદ પુન:મિલન થયું છે.

મળતી માહિતી મુજબ, છેલ્લા બે મહિનાથી રાજકોટના એક અન્નક્ષેત્રમાં ભોજન માટે આવતી આ મનોદિવ્યાંગ મહિલાની દયનીય સ્થિતિ પર સામાજિક કાર્યકર દિલીપભાઈની નજર પડી હતી. તેમની ટીમ દ્વારા સતત પૂછપરછ અને સ્નેહપૂર્વકની વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે મહિલા મૂળ તમિલનાડુના વેલુર જિલ્લાના ગુડિયાયતમ વિસ્તારની રહેવાસી છે. આશરે બે વર્ષ પહેલાં પોતાની માતા સાથે કોઈ કારણસર ઝઘડો થતાં તે ગુસ્સામાં ઘર છોડીને ટ્રેન મારફતે અજાણ્યા એવા રાજકોટ શહેરમાં આવી પહોંચી હતી. ત્યારથી તે શહેરમાં નિરાધાર અને અસ્પષ્ટ ઓળખ સાથે ભટકતું જીવન જીવી રહી હતી.

આ કપરી પરિસ્થિતિમાં સામાજિક કાર્યકરો માટે મહિલાની ઓળખ અને તેના પરિવાર સુધી પહોંચવું એક મોટો પડકાર હતો,પરંતુ દિલીપભાઈએ આધુનિક ટેક્નોલોજીનો આશરો લઈને આ મુશ્કેલીનો માર્ગ સરળ બનાવ્યો હતો. તેમણે (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટૂલ્સની મદદથી મહિલાની તમિલ ભાષાનું ગુજરાતીમાં સચોટ ભાષાંતર કર્યું, જેનાથી મહિલાની આપવીતી, તેના ઘરનું સરનામું અને પરિવારની વિગતો સ્પષ્ટપણે સમજી શકાઈ હતી. ત્યારબાદ મહિલાનો એક વીડિયો શૂટ કરીને વોટ્સએપના માધ્યમથી તમિલનાડુમાં રહેતા તેના પરિવાર સુધી મોકલવામાં આવ્યો હતો. આ વીડિયો જોતા જ તમિલનાડુમાં રહેતા તેના પતિ દીનદયાળભાઈ ઉમાપતિ ભાવવિભોર થઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક પોતાની બે વર્ષથી ગુમ થયેલી પત્નીને ઓળખી લીધી હતી.

પોતાની પત્ની જીવિત હોવાની અને રાજકોટમાં સુરક્ષિત હોવાની જાણ થતાં જ પતિ દીનદયાળભાઈ પોતાની બે પુત્રીઓ સાથે તાબડતોબ રાજકોટ દોડી આવ્યા હતા. રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લાંબા સમય બાદ જ્યારે પરિવારે એકબીજાને જોયા, ત્યારે ત્યાં ઉપસ્થિત તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. પતિએ પત્નીને અને બંને પુત્રીઓએ વર્ષો પછી પોતાની માતાને પ્રત્યક્ષ સામે જોઈને ગળે વળગાડી દીધી હતી અને હોસ્પિટલ પરિસરમાં અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.