ક્રાઇમ
ચોટીલાના નાની મોલડીના પ્રૌઢની હત્યાનો ભેદ ખુલ્યો: યુવતી અને બે સગીર ભાઇઓની ધરપકડ
ચોટીલાના નાની મોલડી ગામે કાઠી દરબાર ભુપતભાઇ જેઠુરભાઇ ખાચરની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખી હત્યામાં સંડોવાયેલ ઝીંઝુડાની 27 વર્ષીય યુવતી અને તેના બે સગીર ભાઇઓની ધરપકડ કરી હતી. રૂપીયાની લેતી દેતી બાબતે કાઠી દરબાર પ્રૌઢને મોતને ઘાટ ઉતારી લાશને કુવામાં ફેંકી દીધી હતી.
ચોટીલાના ઠાંગા પંથકમાં આવેલ ઠાંગનાથ મહાદેવજીના મંદીર પાસે આવેલા કુવામાંથી નાની મોલડીના 48 વર્ષીય ભુપતભાઈ જેઠુરભાઈ ખાચરની લાશ મળી આવી હતી. લાશ પર ઈજાના નીશાન હોવાથી તેઓની હત્યા કરાઈ હોવાનું પ્રથમ દૃષ્ટીએ લાગતુ હતુ. ત્યારે મૃતકના ભાઈ ભરતભાઈ જેઠુરભાઈ ખાચરે ઝીંઝુડા ગામની ધારા મહેશગીરી ગૌસ્વામી સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદ નોંધાતા જ નાની મોલડી પીઆઈ એન.એસ.પરમાર સહિતનાઓએ તપાસના ચક્રો ગતીમાન કરીને 20 વર્ષીય ધારા ગૌસ્વામી અને તેના ર સગીર ભાઈઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ પાસેથી મળતી માહીતી મુજબ ધારા ગૌસ્વામી અને મૃતક ભુપતભાઈ છેલ્લા દોઢેક વર્ષથી એક બીજાના સંપર્કમાં હતા. ધારા અવારનવાર ભુપતભાઈને બાઈક પર મુકવા આવતી હતી. અને બન્ને વચ્ચે પૈસાની લેતી-દેતીના સબંધો પણ થયા હતા.
ત્યારે આ પૈસાની લેતી દેતી બાબતે જ ધારાએ બન્ને સગીર ભાઈઓ સાથે મળી હત્યાનો પ્લાન કર્યો હતો. અને બનાવના દિવસે પણ રાત્રે ધારા બાઈક લઈને ભુપતભાઈને મુકવા આવી હતી. અને બન્ને ઠાંગનાથ મહાદેવ મંદીર નજીક આવેલા કુવા પાસે બેઠા હતા. જેમાં ધારાના 2 સગીર ભાઈઓ અગાઉથી હાજર હતા. અને બન્નેએ લોખંડના પાઈપના ઉપરા છાપરી 5 થી 6 ભુપતભાઈના માથે મારી તેઓનું ઘટનાસ્થળે મોત નીપજાવ્યુ હતુ. બાદમાં બનાવ આત્મહત્યાનો લાગે તે માટે લાશને કુવામાં ફેંકી દીધી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેઓને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.