ગાયકવાડીના આધેડે આપઘાતનો પ્રયાસ કરતાં સારવારમાં ખસેડાયા
શહેરની ભાગોળે માધાપર-બેડી બાયપાસ હાઈવે પર આવેલા રોણકી નજીક ધંધો ન ચાલતાં આર્થિક ભીંસથી કંટાળી ગાયકવાડીના ચોકલેટના ધંધાર્થીએ એસીડ પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
જાણવા મળતી વિગત મુજબ, જંકશન પ્લોટમાં આવેલા ગાયકવાડી શેરી નં.4/10માં રહેતા રમેશભાઈ કુંદનદાસ રામવાણી (ઉ.46) નામના આધેડે આજે સવારે માધાપર મોરબી બાયપાસ હાઈ-વે પર રોણકી ગામ નજીક એસીડ પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં રમેશભાઈ એક ભાઈ એક બહેનમાંનાના અને ચોકલેટની ફેરી કરે છે. ધંધો ચાલતો ન હોવાથી આર્થિક ભીંસના કારણે આ પગલું ભરીલીધાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
