એઈમ્સ ફરી વિવાદમાં: પાર્કિંગ મુદ્દે સિક્યુરિટી ગાર્ડ અને દર્દીના સગા વચ્ચે છૂટા હાથની મારામારી

રાજકોટ શહેરની પ્રતિષ્ઠિત ગણાતી એઈમ્સ હોસ્પિટલ વિવાદોનું કેન્દ્ર બની રહી હોય તેમ જણાય છે. હોસ્પિટલના સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારીના…

રાજકોટ શહેરની પ્રતિષ્ઠિત ગણાતી એઈમ્સ હોસ્પિટલ વિવાદોનું કેન્દ્ર બની રહી હોય તેમ જણાય છે. હોસ્પિટલના સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે જાહેરમાં ઉગ્ર બોલાચાલી બાદ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.

સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ, હોસ્પિટલ પરિસરમાં પાર્કિંગના મુદ્દે મહિલા સિક્યુરિટી ગાર્ડ અને સારવાર માટે આવેલા દર્દીના સગા વચ્ચે બોલાચાલી થઈ હતી. વાત એટલી હદે વણસી ગઈ હતી કે બંને પક્ષો વચ્ચે ઝપાઝપી અને મારામારી શરૂૂ થઈ ગઈ હતી. સિક્યુરિટી સ્ટાફ દ્વારા દર્દીના સગા સાથે કરવામાં આવેલા આ વર્તનને પગલે હાજર લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

જ્યારે આ હોબાળો ચાલી રહ્યો હતો, ત્યારે ત્યાંથી પસાર થતી સીટી બસમાં બેઠેલી એક મહિલા આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કરી રહી હતી. આ જોઈ સિક્યુરિટી સ્ટાફે તે મહિલા પાસે જઈ વીડિયો ડિલીટ કરાવવા માટે દબાણ કર્યું હતું અને તેનો મોબાઈલ ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હોવાના પણ આક્ષેપો થયા છે.
નોંધનીય છે કે, હજુ બે દિવસ પહેલા જ એઈમ્સમાં સારવાર માટે દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડતું હોવાનો વીડિયો વાયરલ થયો હતો. એ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ મારામારીની આ ઘટનાએ હોસ્પિટલના વહીવટી તંત્રની પોલ ખોલી દીધી છે.