તાઇવાન મામલે ચીનનું વળતું પગલું, 20 અમેરિકન કંપનીઓ પર પ્રતિબંધ

અમેરિકા દ્વારા તાઇવાનને રેકોર્ડ 11.1 બિલિયનના મૂલ્યના શસ્ત્રો વેચવાના નિર્ણય બાદ ચીનમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે. આ પગલાના જવાબમાં ચીને 20 અમેરિકન સંરક્ષણ કંપનીઓ…

અમેરિકા દ્વારા તાઇવાનને રેકોર્ડ 11.1 બિલિયનના મૂલ્યના શસ્ત્રો વેચવાના નિર્ણય બાદ ચીનમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે. આ પગલાના જવાબમાં ચીને 20 અમેરિકન સંરક્ષણ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે અને ખુલ્લી ચેતવણી આપી છે કે તાઇવાન મુદ્દો તેની માટે “લાલ રેખા” છે, જેને ઓળંગવાનો પ્રયાસ કડક પરિણામો લાવી શકે છે.

ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તાઇવાનને શસ્ત્રો પૂરા પાડવામાં સંકળાયેલી 20 અમેરિકન લશ્કરી સંબંધિત કંપનીઓ અને 10 વરિષ્ઠ અધિકારીઓ સામે પ્રતિબંધાત્મક પગલાં લેવામાં આવ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તાઇવાન મુદ્દો ચીનના મહત્વપૂર્ણ હિતોના કેન્દ્રમાં છે અને ચીન-અમેરિકા સંબંધોમાં આ સૌથી મહત્વની “લાલ રેખા” છે, જેને કોઈપણ સંજોગોમાં પાર ન કરવી જોઈએ.

ચીને ચેતવણી આપી છે કે જો કોઈ દેશ તાઇવાન મુદ્દે ઉશ્કેરણી કરવાનો પ્રયાસ કરશે, તો તેને ચીન તરફથી કડક પ્રતિક્રિયાનો સામનો કરવો પડશે. બેઇજિંગે અમેરિકાને એક-ચીન સિદ્ધાંતનું પાલન કરવા અપીલ કરી છે. સાથે જ તાઇવાનને સશસ્ત્ર બનાવવાના “ખતરનાક પગલાં” બંધ કરવા, તાઇવાન સ્ટ્રેટમાં શાંતિ અને સ્થિરતાને ખતરો પહોંચાડતા પગલાં અટકાવવા અને “તાઇવાન સ્વતંત્રતા” સમર્થક તાકાતોને ખોટા સંકેતો આપવાનું બંધ કરવા જણાવ્યું છે.