ક્રાઇમ

ચીટર ટોળકીએ 17 બોગસ દસ્તાવેજ બનાવ્યાની શંકા

Published

on


સબ રજિસ્ટાર ડેટા ઓપરેટીંગનું કામ સભાળે છે અને આ કામગીરી સબ રજિસ્ટ્રારની અંડરમાં થતી હોય છે. તેવા સમયે રજિસ્ટ્રાર ખાચર દ્વારા પોલીસ કમિશનર બ્રજેશ ઝા ને મૌખીક માહિતી આપી હતી કે તેમની કચેરીમાં કામ કરતા તેમના જ કર્મચારીઓ દ્વારા બોગસ દસ્તાવેજ કૌભાંડ આચરવામાં આવી રહ્યુ છે તેવી શંકા છે.

તેમજ અંદાજે લગભગ 17 જેટલા દસ્તાવેજો બોગસ બનાવવામાં આવ્યા હોય તેવી શંકા દર્શાવી છે. જેથી આ અરજીના આધારે પ્રધ્યુમનનગર પોલીસને તપાસ સોંપવામાં આવી હતી. આ તપાસને આધારે પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ તેમજ સેક્ધડ પીઆઇ પીયુષ ડોબરીયા, ડી સ્ટાફના પીએસઆઇ બેલીમ, પીએસઆઇ બી. વી. ચુડાસમા, વિમલભાઇ ધાણજા, જયેન્દ્રસિંહ પરમાર, કનુભાઇ ભમ્મર અને અન્ય પોલીસ સ્ટાફ સહિતનો કાફલો રાતભર આ કૌભાંડના પુરાવા એકત્ર કરવા માટે કામે લાગી ગયો હતો. તેમજ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં કોમ્પ્યુટર ઓપરેટર સહિતની ટોળકીને ઉઠાવી લઇ તેમની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. પરંતુ પકડાયેલા કોઇ પણ શકમંદ વ્યકિતઓ પુછપરછમાં પોલીસને સહકાર આપી રહયા નહી હોવાનુ હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે. પ્રનગર પોલીસ દ્વારા અર્જુન ઝાલા, જયદીપ ઝાલા અને જયેશ નામના ત્રણ કર્મચારીઓને સકંજામાં લઇ પ્રનગર પોલીસ મથકની અલગ અલગ ટીમો દ્વારા પુછપરછ કરી પુરાવા એકત્રીત કરવામાં આવી રહયા છે.


પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે કે આ બોગસ દસ્તાવેજ ઉભા કરનાર ટોળકી દ્વારા અંદાજીત પચીસેક વર્ષ જુની મઘરવાડાની કરોડોની કિંમતની જૂની શરતમાં બનાવવામાં આવેલા દસ્તાવેજોમાં છેડછાડ કરવામાં આવી છે. કે જે જમીનના વારસદારો કોઇ છે નહી અને જમીન માલિક અવસાન પામ્યા છે. આવી જમીનોના બોગસ દસ્તાવેજો બની ચુકયા છે. આ ઉપરાંત શહેરી વિસ્તારમાં પણ અમુક જમીનોના દસ્તાવેજો સાથે છેડછાડ કરી હોવાની શંકા પણ સેવાઇ રહી છે.


ડેટા ઓપરેટરો જયારે કામ પર આવે ત્યારે તેઓની આઇડી મારફત કામગીરી થતી હોય છે. આ ઘટના મામલે હાલ પ્રધ્યુમનનગર પોલીસ મથકના પીઆઇ બી. એમ. ઝણકાટ અને પીઆઇ પીયુષ ડોબરીયાની રાહબરીમાં તમામ આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. તેમજ રાત સુધીમા ગુનો નોંધાય તેવી સંભાવનાઓ પણ દર્શાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગરીબ લોકોની જમીન હાથમાંથી ન સરકી જાય તે માટે સરકારે નવા-નવા કાયદાઓ અને નિયમો ઘડયા છે.


તેના થકી બોગસ દસ્તાવેજનું ચલણ ઘટયું છે. પરંતુ અંદરના જ કર્મચારીઓ જયારે ફૂટી જાય ત્યારે કૌભાંડીને જમીન પચાવવામાં અને બોગસ દસ્તાવેજ બનાવવામાં મોકળુ મેદાન મળી જાય છે.

કૌભાંડ છતુ થતા ડેટા ઓપરેટીંગનો કોન્ટ્રાકટર હર્ષ સોની ફરાર
સબ રજિસ્ટ્રાર કચેરીના બોગસ દસ્તાવેજ કૌભાંડનો પરપોટો ફૂટયો છે ત્યારે કહેવાય છે કે જૂની કલેકટર કચેરી સ્થિત આ ઓફિસમાં ડેટા ઓપરેટીંગનો કોન્ટ્રાકટ હર્ષ સોની ધરાવે છે. તે વર્ષોથી સબ રજિસ્ટ્રાર કચેરીમાં કામ કરે છે. જેથી કૌભાંડ ગમે ત્યારે બહાર આવવાની જાણ તેમને અગાઉથી થઇ જતા પોતે ભુર્ગભમાં ઉતરી ગયો હોવાનુ હાલ પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહયુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version