Site icon Gujarat Mirror

ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વાળાનું રાજીનામું

અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકાના પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. જિલ્લા કલેક્ટરે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. ચલાલા નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે અને ત્યાં કોઈ વિપક્ષ પણ નથી. અગાઉ પણ નયનાબેન વાળા સામે અવિશ્વાસ દરખાસ્ત મૂકવામાં આવી હતી અને તેમણે રાજીનામું આપ્યું હતું, પરંતુ ત્યારે કલેક્ટરે તે સ્વીકાર્યું ન હતું. આ વખતે તેમણે કૌટુંબિક કારણો આગળ ધરીને રાજીનામું આપ્યું છે, જે કલેક્ટર દ્વારા સ્વીકારી લેવાયું છે.

આવતીકાલે ચલાલા નગરપાલિકામાં સવારે 11 વાગ્યે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળશે. આ સભામાં નગરપાલિકાના 24 સદસ્યો ઉપસ્થિત રહેશે. ખાલી પડેલા પ્રમુખના પદને લઈને આગામી દિવસોમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે.

ધારી ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડીયાના હોમટાઉન ચલાલા નગરપાલિકામાં ભાજપના જ સદસ્યો વચ્ચે ખેંચતાણ શરૂૂ થતાં રાજકીય વિવાદ વકરવાની શક્યતા છે. પ્રમુખના રાજીનામા બાદ જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે અને પક્ષમાં આંતરિક કકળાટ ચરમસીમા પર પહોંચી રહ્યો હોવાનું મનાય છે.

Exit mobile version