અનુસૂચિત જાતિના આગેવાનોની બેઠકમાં વ્યક્ત કરાઇ નારાજગી, તા.4ના ધોરાજી ખાતે સંમેલન
જુનાગઢનાં રાજુભાઇ સોલંકી તથા ગોંડલનાં પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા વચ્ચે થયેલા કથીત સમાધાન અંગે અનુસૂચિત જાતિમાં ઉગ્ર રોષ ફેલાયો છે.ઘોઘાવદર ખાતે આગેવાનોની મળેલી બેઠકમાં પાછલા બારણેથી થતા સમાધાન સ્વિકાર્ય નથી તેવું જણાવી એટ્રોસિટી કેસ માં જો સમાધાન કરાશે તો તેનો અનુસૂચિત જાતિ સમાજ દ્વારા બહિષ્કાર કરાશે તેવું નક્કી કરાયુ હતુ.રાજુભાઇ સોલંકી અને જયરાજસિંહ વચ્ચેનાં સમાધાન અંગે આગામી તા.4નાં ધોરાજી ખાતે સંમેલન મળશે અને આ મુદ્દે રણનીતિ નક્કી કરાશે તેવો નિર્ણય લેવાયો હતો.
ગોંડલનાં ઘોઘાવદર ખાતે સંત દાસીજીવણ સાહેબની જગ્યામાં અનુસૂચિત જાતિનાં આગેવાનોની બેઠક મળી હતી.જેમાં આગેવાન દેવદાનભાઇ મુછડીયા એ જણાવ્યું કે રાજુભાઇ સોલંકી અને ગણેશ ગોંડલ વચ્ચેનાં વિવાદ માં સૌરાષ્ટ્રભર નો અનુસૂચિત જાતી સમાજ એકઠો થયો હતો.અને લડત આપી હતી.પરંતુ સમાજને અંધારા માં રાખી પુછ્યા વીના સમાધાન કરી લેવાયું છે.દિનેશભાઈ પાતર તથા રાજુભાઇ ની વાયરલ થયેલી ઓડીયો કલિપ નો ઉલ્લેખ કરી તેમણે સમાધાન પ્રક્રીયામાં સમાજને બાકાત રખાયાનુ જણાવી વધુ માં કહ્યુ કે રાજુભાઇ સોલંકી એ આખા મામલે સ્પષ્ટતા કરતો અને જયરાજસિંહનો માફી માંગતો વિડીયો જાહેર કરવો જોઈએ. ઉપરાંત રેલી દરમિયાન પેઢલાનાંનાં યુવાનનુ અકસ્માતમાં મૃત્યુ થયુ હતું તેના પરિવારને જયરાજસિંહ જાડેજાએ આર્થિક મદદ કરવી જોઈએ.
તેમણે કહ્યુ કે સમાજ દ્વારા આગામી રણનીતિ ઘડાશે જેમા કોર્ટ માં સમાજ થર્ડ પાર્ટી તરીકે જોડાશે.અને અદાલતને રજુઆત કરાશે કે આ ખુબ ગાજેલો કેસ છે.પુરાવાઓ પણ છે.તપાસનીસ અધિકારી એ પાછળથી પુરાવાઓ નો નાશ કરવો અને કાવત્રુ ઘડવા અંગેની કલમ લગાવી છે. એટલે બનાવ બન્યો છે એ ફલીત થાય છે.જેથી આર્થિક જશ ખાટવા ફરિયાદી સમાધાન કરે તે કોર્ટ દ્વારા માન્યનાં ગણવુ જોઈએ તેવી રજૂઆત કરીશુ.
યુવા ભીમ સેના નાં સ્થાપક ડી.ડી.સોલંકી એ જણાવ્યુ કે આગામી તા.4 નાં ધોરાજી ખાતે યોજાનાર સંમેલન માં ચર્ચા કરી જો કોઈ આવા કેસમાં સમાધાન કરશે તો તેનો બહિષ્કાર કરવો અને કોઈ પણ જાત નો સહકાર નહી આપવા નક્કી કરી રણનીતિ તૈયાર કરાશે. બેઠકમાં દિનેશભાઈ પાતર, નિખિલભાઇ ચૌહાણ, દેવરાજભાઇ રાવલીયા, અજયભાઇ વાણવી, યોગેશભાઈ ભાશા સહિત ઉપસ્થિત રહ્યા હતા.

