રાષ્ટ્રીય

લિકર કેસમાં સીબીઆઇ, ઇડી પાસે પુરાવા જ નથી?

Published

on

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે કથિત એક્સાઈઝ કૌભાંડમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન લઈને જેલની બહાર આવ્યા પછી મુખ્ય મંત્રીપદ છોડવાની જાહેરાત કરી તેની ચોતરફ ચર્ચા છે. કેજરીવાલે કોઈને કલ્પના ના આવે એવો રાજકીય દાવ રમી નાખ્યો તેથી આ ચર્ચા સ્વાભાવિક છે પણ તેના કારણે એક મહત્ત્વનો મુદ્દો બાજુ પર રહી ગયો છે. આ મુદ્દો લિકર કેસમાં કેજરીવાલને જામીન મળ્યા તેના સૂચિતાર્થ છે.


કેજરીવાલને જામીન આપતી વખતે સુપ્રીમ કોર્ટે આડકતરી રીતે લિકર કૌભાંડ રાજકીય રીતે ઊભું કરાયેલું તિકડમ છે એવું કહી દીધું છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને રાજકીય ઈશારે વર્તવાના બદલે ન્યાયી રીતે વર્તવાનું કહ્યું, પાંજરામાં પુરાયેલા પોપટ તરીકેની તેની ઈમેજ બદલવા કહ્યું તેના પરથી સ્પષ્ટ છે કે, સુપ્રીમ કોર્ટ પણ લિકર કેસમાં ચાલી રહેલા ચલકચલાણાથી કંટાળી છે ને તેને પણ ખબર પડી ગઈ છે કે, આ તલમાં તેલ નથી.


સીબીઆઈએ 9 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમાંથી અમનદીપ સિવાયના બાકીના 8ને જામીન મળી ગયા છે. ટૂંકમાં અમનદીપ સિવાયના બાકીના આરોપીઓ બહાર આવી ગયા છે. આ સંજોગોમાં માત્ર અમનદીપને જેલમાં રાખવાનો અર્થ નથી. સીબીઆઈ અને ઈડીએ કેજરીવાલ ઉપરાંત મનિષ સિસોદિયા, સંજયસિંહ અને કે. કવિતા એમ ચાર ટોચના નેતાઓની ધરપકડ કરી હતી. હવે આ ચારેય જેલની બહાર છે ને સીબીઆઈ કે ઈડી નવું કશું લાવી શક્યાં નથી એ જોતાં આ કેસ ડેડ એન્ડ પર આવીને ઊભો રહી ગયો છે.


આ સ્થિતિ એટલા માટે સર્જાઈ કે, ઈડી અને સીબીઆઈ બંનેએ પહેલા દિવસથી કોઈ પણ પ્રકારના નક્કર પુરાવા વિના એવો કેસ ઊભો કરી દીધો કે જેનો ઉદ્દેશ ભાજપના રાજકીય ફાયદો કરાવવાનો હતો. ભાજપ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલને સીધા જંગમાં પછાડી શકે તેમ નથી એટલે લેફ્ટનન્ટ ગવર્નર અને બીજા અધિકારીઓને હાથો બનાવીને કેજરીવાલ સરકારને પરેશાન કર્યા કરે છે. લિકર કેસના બહાને ભાજપ એક કદમ આગળ વધ્યો. મોદી સરકારે કેજરીવાલ સરકારે બનાવેલી એક નીતિને આધાર બનાવીને ભ્રષ્ટાચારનો કેસ તો કરી દીધો પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું સાબિત ના કરી શક્યા.


સીબીઆઈ અને ઈડીનો કેસ એકદમ ખોખલો હતો. આખો કેસ ભાજપના નેતાઓના આક્ષેપોને આધારે ઊભો કરાયો અને તેના આધારે ધરપકડ કર્યા પછી ધરપકડ કરાયેલા ત્રણ આરોપીને સરકારી સાક્ષી બનાવીને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કે. કવિતાને અંદર કરી દેવાયાં. ઓરોબિંદો ફાર્માના ડિરેક્ટર પી સરથચંદ્ર રેડ્ડી, ટીડીપીના લોકસભાના સભ્ય મગુંતા શ્રીનિવાસુલુ રેડ્ડીના પુત્ર રાઘવ મગુંતા અને બિઝનેસમેન દિનેશ અરોરા એ ત્રણ સરકરી સાક્ષી બની ગયેલા આરોપીઓનાં નિવેદનોને બાદ કરતાં સીબીઆઈ અને ઈડી પાસે કોઈ પુરાવા જ નથી. આ કેસમાં ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટ જોશો તો આ વાત સમજાશે.

આ કેસમાં અરવિંદ કેજરીવાલને એટલે આરોપી બનાવાયા કે, આમ આદમી પાર્ટીના સંરક્ષક હોવાથી અરવિંદ કેજરીવાલ પાર્ટી દ્વારા કરવામાં આવતા દરેક કાર્ય માટે જવાબદાર છે. આમ આદમી પાર્ટી આ કૌભાંડ અને અપરાધમાંથી મળેલી આવકની મુખ્ય લાભાર્થી છે એવો દાવો છે પણ પહેલાં આમ આદમી પાર્ટીએ કોઈ અપરાધ કર્યો છે એવું તો સાબિત કરવું પડે કે નહીં ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version