બે યુવાનની હાલત ગંભીર, રતલામ હોસ્પિટલમાં ખસેડાયા
સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર અને મૂળી વિસ્તારમાં બે યુવકના મોતથી શોક છવાયો છે. ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શને ગયેલા મિત્રોની કારને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં બે યુવકના મોત થયાં છે, જ્યારે અન્ય બે મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, જોરાવરનગર અને મૂળીના કેટલાક મિત્રો ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા ગયા હતા.
પરત ફરતી વખતે ઉજ્જૈન નજીક તેમની કારને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં જોરાવરનગરના એક ક્ષત્રિય યુવકનું ઘટનાસ્થળે જ્યારે બીજા યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માતમાં જોરાવરનગરના એક કંસારા યુવક અને મૂળીના એક ક્ષત્રિય યુવકને ગંભીર ઇજાઓ થઈ છે. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક રતલામની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
જોરાવરનગરના યુવકના મોતથી તેના પરિવારમાં શોકનો માહોલ છે. મૃતદેહનો કબજો મેળવવા અને કાયદેસરની કાર્યવાહી માટે પરિવારજનો અને સંબંધીઓ રતલામ જવા રવાના થયા છે. અકસ્માત કયા સંજોગોમાં થયો અને તેનું ચોક્કસ કારણ શું હતું, તે જાણવા માટે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
