કર્મચારી મહેશ શંકાના દાયરામાં, ગુજરાતના શખ્સે જ ટીપ આપી હોવાનો ખુલાસો
પોલીસે ચોરાઉ કાર અને સ્કૂટર જપ્ત કર્યું : ચોરાઉ કારમાં બિહારના શખ્સની માલિકીની કારની નંબર પ્લેટ લગાડી હતી !
બિહારના ખગૌલ લાખ પાસે થયેલી ₹20 કરોડની લૂંટના કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ઘટનામાં વપરાયેલી કાર દિલ્હીથી ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. નવાઈની વાત એ છે કે આ ચોરાયેલી કાર પર બિહારના પૂર્ણિયા જિલ્લાના અમિત-અજિત નામના વ્યક્તિની માલિકીની ગાડીની નંબર પ્લેટ લગાડવામાં આવી હતી જેથી પોલીસને ગેરમાર્ગે દોરી શકાય. પોલીસે નીબતપુર પાસેથી આ કાર અને એઇમ્સ રાઉન્ડઅબાઉટ પાસેથી એક મોટરસાઇકલ જપ્ત કરી તપાસ તેજ કરી છે.
આ હાઈ-પ્રોફાઈલ લૂંટની યોજના પાછળ કોઈ સ્થાનિક નહીં પણ ગુજરાતના એક માસ્ટરમાઇન્ડનો હાથ હોવાનું જણાય છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તમામ છ લૂંટારુઓ બિહારના વતની છે, પરંતુ તેમને તમામ પાયાની બાતમી અને સંકલન ગુજરાતના આ ’સાઈનર’ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. આ યોજના એટલી સચોટ હતી કે લૂંટારુઓએ સોનાની બેગમાં રહેલા સજ્જ ટ્રેકરને ઓળખી લીધું હતું અને દાગીના લૂંટ્યા બાદ તુરંત તેને ફેંકી દીધું હતું, જેથી પોલીસ તેમનો પીછો ન કરી શકે.
લૂંટનો ભોગ બનેલા રાજકોટના સોનાના વેપારી સુનીલ ભાઈના બે કર્મચારીઓ મહેશ મામાટીયા અને પ્રિન્સ કુમારની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. મહેશ છેલ્લા 6 વર્ષથી અને પ્રિન્સ 6 મહિનાથી સુનીલ ભાઈને ત્યાં કામ કરે છે. તેઓ અમદાવાદ-સહર્ષ એક્સપ્રેસ દ્વારા દાનાપુર પહોંચ્યા હતા અને ત્યાંથી 300 માં ઓટો-રિક્ષા કરી ભાકરગંજ જઈ રહ્યા હતા. આ દરમિયાન કસ્ટમ્સ અધિકારી બનીને આવેલા લૂંટારુઓએ તેમને આંતર્યા હતા.
એસઆઈટી દ્વારા હાલમાં આ કર્મચારીઓના મોબાઈલ કોલ ડિટેલ રેકોર્ડ્સ (સીડીઆર) અને લોકેશન ડેટાનું વિશ્ર્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ લૂંટમાં અનેક રહસ્યમય વળાંકો જોવા મળી રહ્યા છે. ગુનેગારોએ લૂંટ કર્યા પછી માત્ર મહેશને જ કારમાં બેસાડી અપહરણ કેમ કર્યું અને પ્રિન્સને પાછળ કેમ છોડી દીધો તે એક મોટો સવાલ છે.
વધુમાં, મહેશના હાથ અને મોં બાંધીને તેને નીબતપુર પાસે કારમાં છોડી દેવાયો હતો, છતાં તે કેવી રીતે પોતાની મેળે છૂટીને પોલીસ સ્ટેશન પહોંચી ગયો તે બાબત પણ શંકા ઉપજાવે છે. એસઆઈટી આ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે અને 40 સભ્યોની વિશેષ ટીમ લૂંટારુઓને પકડવા માટે દરોડા પાડી રહી છે. ભાકરગંજના જે વેપારીને આ સોનું પહોંચાડવાનું હતું તેની પણ પૂછપરછ કરવામાં આવી છે.

