વેપારીએ નામચીન ભરત કુંગશિયાની ધમકીથી ડરી ફિનાઇલ પી લીધું

ત્રણ વર્ષ પહેલા થયેલા ઝઘડાના સમાધાન બાદ દુકાને આવી ફાયરિંગની ધમકી આપી શહેરના રેલનગર વિસ્તારમાં વેપારી યુવકે કુખ્યાત શખ્સોના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને ફિનાઇલ પી…

ત્રણ વર્ષ પહેલા થયેલા ઝઘડાના સમાધાન બાદ દુકાને આવી ફાયરિંગની ધમકી આપી

શહેરના રેલનગર વિસ્તારમાં વેપારી યુવકે કુખ્યાત શખ્સોના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને ફિનાઇલ પી આપઘાત કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. યુવકની તબિયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનામાં અગાઉ નાગેશ્વર ફાયરિંગ કેસમાં હથિયાર સપ્લાયર તરીકે જેનું નામ ખૂલ્યું હતું, તેવા નામચીન ભરત કુગશિયાનું નામ ફરી સામે આવતા પોલીસ તંત્ર દોડતું થયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ, રેલનગર વિસ્તારમાં ઘનશ્યામ રેસીડેન્સી સામે રહેતા સાહિલભાઈ સમીરભાઈ ચાનીયા (ઉં.વ. 21)એ આજે સવારે :30 વાગ્યે પોતાના ઘરે ફિનાઇલ ગટગટાવી લીધું હતું. યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. હોસ્પિટલના બિછાનેથી સાહિલભાઈએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, આશરે 3-4 વર્ષ પહેલાં ભરતભાઈ કુગશિયા સાથે મારી મારામારી થઈ હતી, જેમાં સામસામી ફરિયાદો પણ થઈ હતી. જોકે, બાદમાં આ મામલે સમાધાન થઈ ગયું હતું.

આજે સવારે 5:00 વાગ્યે ભરત મારી પાનની દુકાને આવ્યો હતો, જ્યાં મારા મોટા બાપુજી બેઠા હતા. ત્યાં મારું નામ બોલીને તે પૂછપરછ કરતો હતો. મોટા બાપુજીએ જાણ કરતા જ્યારે મેં ભરતને ફોન કર્યો, ત્યારે તેણે ઉશ્કેરાઈને ધમકી આપી હતી કે, “તું ગણી નહીં શકે એટલું ફાયરિંગ કરીશ.” આ સિવાય ગઈકાલે રાત્રે મહેશ મિયાત્રા નામના શખ્સનો પણ ફોન આવ્યો હતો અને તેણે મારી સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. જૂની અદાવત રાખીને આ લોકો મને ત્રાસ આપતા હોવાથી કંટાળીને મેં આ પગલું ભર્યું છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા રાજકોટના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં થયેલા સનસનાટીભર્યા ફાયરિંગ કેસમાં પોલીસ તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો હતો. પકડાયેલા આરોપી રામદેવ ડાંગરે કબૂલાત આપી હતી કે ગુનામાં વપરાયેલા હથિયારો તેને નામચીન ભરત કુગશિયાએ સપ્લાય કર્યા હતા. આ હથિયાર સપ્લાય કેસ બાદ હવે ફરી એકવાર સાહિલ ચાનીયા આપઘાત પ્રયાસ કેસમાં ભરત કુગશિયાનું નામ ખુલતા પોલીસે હોસ્પિટલ પહોંચી યુવકનું નિવેદન નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂૂ કરી છે.