જેતપુરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આપઘાતનો પ્રયાસ

જેતપુરમાં બે વ્યાજખોરના ત્રાસથી કંટાળી વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સાડીના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવાન વેપારીએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને…

જેતપુરમાં બે વ્યાજખોરના ત્રાસથી કંટાળી વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં સાડીના વ્યવસાય સાથે સંકળાયેલા એક યુવાન વેપારીએ વ્યાજખોરોના અસહ્ય ત્રાસ અને ધમકીઓથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ મામલે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદો નોંધવામાં આવી છે.

મળતી વિગત મુજબ જેતપુરના સામા કાંઠા વિસ્તારમાં રહેતા ફરિયાદી અંકિતભાઈ મુકેશભાઈ માલવીયા (ઉં.વ. 29), જેઓ ’અંકિત પ્રિન્ટ’ અને ’લિબર્ટી પ્રિન્ટ’ નામના સાડીના કારખાના ચલાવે છે, તેમણે પોલીસમાં નોંધાવેલી વિગત મુજબ, આશરે એક વર્ષ પહેલા ધંધામાં આર્થિક નુકસાની આવતા તેમણે નાણાંની જરૂૂરિયાત ઉભી થઈ હતી. આ જરૂૂરિયાત પૂરી કરવા માટે તેમણે રબારીકા ગામના અશોકભાઈ લાલુ અને જેતપુરના મયુરભાઈ દવે પાસેથી ઉંચા વ્યાજે નાણાં લીધા હતા. પ્રથમ ફરિયાદ મુજબ, અંકિતભાઈએ અશોકભાઈ લાલુ પાસેથી કટકે-કટકે કુલ રૂૂ. 15 લાખ 20% જેવા તોતિંગ માસિક વ્યાજે લીધા હતા. આ રકમની સામે આરોપીએ બળજબરીપૂર્વક અંકિતભાઈના સહીવાળા બેંકના બે કોરા ચેક પડાવી લીધા હતા. ફરિયાદીએ અત્યાર સુધીમાં વ્યાજ સહિત રૂૂ. 12.50 લાખ ચૂકવી દીધા હોવા છતાં, આરોપી અશોક હજુ વધુ રૂૂ. 20 લાખની માંગણી કરી ચેક બાઉન્સ કરાવવાની અને ગામમાં રહેવા ન દેવાની ધમકી આપતો હતો.

બીજી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીએ મયુરભાઈ દવે પાસેથી રૂૂ. 5 લાખ 6% વ્યાજે લીધા હતા. સુરક્ષા પેટે આરોપીએ અંકિતભાઈ પાસેથી આશરે 4 તોલા સોનાના ઘરેણાં (સોનાનું બિસ્કીટ, માળા અને પેન્ડલ) પડાવી લીધા હતા. ફરિયાદીએ રૂૂ. 3 લાખ ચૂકવી આપ્યા બાદ પોતાનું સોનું પરત માંગતા આરોપીએ ધમકી આપી હતી કે, “સોનું પરત નહીં મળે, હજુ વ્યાજ સહિત રૂૂ. 5 લાખ ચૂકવવા પડશે”.બંને વ્યાજખોરોના સતત દબાણ અને ધમકીઓથી કંટાળીને અંકિતભાઈએ ગત તા. 11/04/2026ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. તેમને ગંભીર હાલતમાં જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લાંબી સારવાર બાદ ભાનમાં આવતા તેમણે પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી.

જેતપુર સીટી પોલીસે બંને આરોપીઓ વિરૂૂદ્ધ ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ 2011ની કલમ 40, 42 અને ભારતીય ન્યાય સંહિતા ની કલમ 308(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ ડાંગર ચલાવી રહ્યા છે.