ખંભાળિયામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો: રીઢા ગુનેગાર સહિત ચાર શખ્સો ઝબ્બે

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર એક આશ્રમ નજીકના રહેણાંક મકાનમાં થોડા દિવસો પૂર્વે થયેલી ઘરફોડ ચોરી પ્રકરણમાં ખંભાળિયા પોલીસે રીઢા ગુનેગાર તેમજ આજીવન કેદના આરોપી…

ખંભાળિયા નજીકના હાઈવે માર્ગ પર એક આશ્રમ નજીકના રહેણાંક મકાનમાં થોડા દિવસો પૂર્વે થયેલી ઘરફોડ ચોરી પ્રકરણમાં ખંભાળિયા પોલીસે રીઢા ગુનેગાર તેમજ આજીવન કેદના આરોપી સહિતના આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા નજીકના જામનગર હાઈવે માર્ગ પર આવેલા ગુરુ ગેબી નકલંક આશ્રમ ખાતેના એક રહેણાંક મકાનમાં ગત તારીખ 7 જૂનના રોજ રાત્રિના સમયે આશરે રૂૂપિયા સવા લાખ જેટલા મુદ્દામાલની ઘરફોડ ચોરી થયાનો બનાવો પોલીસ દફતરે નોંધાયો હતો. જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંના ડીવાયએસપી મીત રુદલાલના માર્ગદર્શન હેઠળ ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. સી.આર. રાણા તેમજ તેમની ટીમ દ્વારા આરોપીઓને ઝડપી લેવા માટેની કાર્યવાહી આરંભી હતી.

આ પ્રકરણમાં પોલીસની ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ સોર્સિસના માધ્યમથી મળેલી જાણકારીમાં ચોરીના આ પ્રકરણમાં એક મારુતિ આર્ટિગા મોટરકારનો ઉપયોગ થયો હતો. જેમાં કરવામાં આવેલી આગળની તપાસમાં ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો હતો. આ ચોરીના બનાવમાં જામનગરના જોડિયા ભુંગા વિસ્તારમાં રહેતા હનીફ ઉર્ફે હનકો ચોર હુસેનભાઈ સના, રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે રહેતા અલ્તાફ હારુન શાહમદાર, જામનગરના માધાપર ભુંગા વિસ્તારમાં રહેતા મહમદશા અલીશા શાહમદાર તેમજ જોડિયા ભુંગાના રહીશ સુલતાન હુશેનભાઈ સના નામના ચાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

આરોપીઓની પૂછતાછમાં આ પ્રકરણમાં હાલ હત્યાના એક ગુનામાં આજીવન કેદની સજા પામેલા અને રાજકોટની સેન્ટ્રલ જેલમાં રહેલા ગુલામશાહ ગીગાશાહ શાહમદાર (રહે. શેઠ વડાળા, તા. જામજોધપુર, જિ. જામનગર)ની સંડોવણી પણ ખુલવા પામી છે.

હાલ રાજકોટ સેન્ટ્રલ જેલમાં રહેલા ગુલાબશાહ ગીગાશાહનો કબજો મેળવવા પોલીસે જરૂૂરી તજવીજ હાથ ધરી છે. ઝડપાયેલા આરોપી હનીફ હુસેન મામદ સના વિરુદ્ધ જામનગર, કંડલા સહિતના જુદા જુદા પોલીસ મથકમાં કુલ 22 જેટલા ગુનાઓ તેમજ અન્ય આરોપી એવા ગુલાબશા ગીગાશાહ વિરુદ્ધ ધોરાજીમાં હત્યા તેમજ ગોંડલમાં પણ એક ગુનો અને મહમદશા અલીશા રફાઈ વિરુદ્ધ ખંભાળિયા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો હોવાનું જાહેર થયું છે.

આ પ્રકરણમાં પોલીસે રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂૂ. 51 હજાર જેટલો મુદ્દામાલ તથા રૂૂપિયા ત્રણ લાખની કિંમતની મોટરકાર કબજે કરી છે. આરોપીઓની અટકાયત બાદ કચ્છ જિલ્લાના પાધર વિસ્તારમાં થોડા સમય પૂર્વે થયેલી આશરે રૂૂ. 6.38 લાખની ઘરફોડ ચોરી અને ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો પણ ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

આ સમગ્ર કાર્યવાહી ખંભાળિયા પોલીસ મથકના પી.આઈ. સી.આર. રાણા, ઇન્ચાર્જ પી.આઈ. એચ.જી. રાઠોડ, પી.એસ.આઈ. સરતાજ સાંધ, એ.એસ.આઈ. હેમતભાઈ નંદાણીયા, હરપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, સામતભાઈ ગઢવી, માંડણભાઈ ગઢવી, કાનાભાઈ લુણા, અરજણભાઈ આંબલીયા અને ભુપેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.