સરકાર નહીં માનતા ખેડૂતો ‘દ્વારકાધીશ’ને રજૂઆત કરશે

શુક્રવારથી કચ્છના વ્રજવાણી અને ધ્રાંગધ્રાથી બે પદયાત્રા નીકળી લતીપર ભેગી થશે, ત્યાંથી દ્વારકા જગત મંદિરે પહોંચી વ્યથા જણાવશે વીજલાઇન વળતર મુદ્દે હવે આગામી સમયમાં સરકારની…

શુક્રવારથી કચ્છના વ્રજવાણી અને ધ્રાંગધ્રાથી બે પદયાત્રા નીકળી લતીપર ભેગી થશે, ત્યાંથી દ્વારકા જગત મંદિરે પહોંચી વ્યથા જણાવશે

વીજલાઇન વળતર મુદ્દે હવે આગામી સમયમાં સરકારની મુસીબત વધી શકે છે. ખેતરોમાંથી પસાર થતી હાઈવોલ્ટેજ વીજલાઈનોના મુદ્દે સરકાર દ્વારા ખેડૂતોને થઈ રહેલા અન્યાય અને અપૂરતા વળતરના વિરોધમાં ગયા અઠવાડિયે ખેડૂત નેતા અને કોંગ્રેસ દ્વારા 1111 ટ્રેક્ટરની રેલી કાઢવામાં આવી હતી જે બાદ હવે આગામી 26મી તારીખથી ગુજરાતમાં કિસાન અધિકાર પદયાત્રા યોજાવા જઈ રહી છે. આ યાત્રા બે અલગ-અલગ રૂૂટ, કચ્છના વ્રજવાણી અને સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા, હળવદ પરથી શરૂૂ થશે. આ બંને યાત્રાઓ લતીપર ખાતે ભેગી થશે અને ત્યાંથી 500 કિલોમીટરથી વધુનું અંતર પગપાળા કાપીને એકસાથે દ્વારકા પહોંચશે. આજે સોમવારે અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે કિસાન કોંગ્રેસ સંગઠને જાહેરાત કરી હતી.

પ્રથમ યાત્રા (કચ્છ રૂૂટ): આ યાત્રા 26મી તારીખે વ્રજવાણીથી શરૂૂ થશે. ત્યારબાદ તે ગેડી, ચલાડી, પ્રાગટપર, ચિત્રોડ, લાકડીયા અને શિકારપુર થઈને માળિયાના ખારા પાટમાં પહોંચશે. ત્યાંથી તે આમરણ થઈને લતીપર (લતીપુર) પહોંચશે. બીજી યાત્રા (સુરેન્દ્રનગર રૂૂટ): આ યાત્રા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને હળવદ તાલુકાના ગામો (જેવા કે કોંડ અને સાપકડા) થી શરૂૂ થશે. ત્યાંથી તે સરા વિસ્તાર થઈને વાંકાનેર તરફ પ્રયાણ કરશે અને વાંકાનેરથી ટંકારાના વિસ્તારોમાં થઈને લતીપર (લતીપુર) પહોંચશે. આ બંને યાત્રાઓ લતીપર (લતીપુર) વિસ્તારમાં ભેગી થશે અને ત્યાંથી બંને યાત્રાઓ એકસાથે દ્વારકા પહોંચશે. વ્રજવાણીથી દ્વારકા સુધીની પ્રથમ યાત્રા 400 કિલોમીટરથી વધુ લાંબી હશે, જ્યારે ધ્રાંગધ્રા બાજુથી નીકળતી યાત્રા લતીપુર પહોંચે ત્યાં સુધીમાં સવા સો કિલોમીટર જેટલું અંતર કાપશે. ખેડૂતો આ આખી યાત્રા પગપાળા ચાલીને પૂર્ણ કરશે અને દ્વારકાધીશને પોતાની વ્યથા જણાવશે.

આ અંગે ખેડૂત નેતા પાલ આંબલિયાએ કહ્યું કે, ’અમે કિસાન કોંગ્રેસ અને અન્ય સંગઠનો સાથે મળીને ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજલાઈનોના પ્રશ્ને સરકાર સામે સતત લડી રહ્યા છીએ. અમારી સ્પષ્ટ માંગ છે કે ખેડૂતોને 2013ના જમીન સંપાદન કાયદા મુજબ માર્કેટ ભાવના ચાર ગણું વળતર મળે અથવા પોલ દીઠ 50,000 રૂૂપિયા માસિક ભાડું કે 2 કરોડનું વન-ટાઇમ સેટલમેન્ટ આપવામાં આવે, તેમજ વીજલાઈનના તાર પડવાથી કે તણખા ઝરવાથી ખેડૂતોના જીવ અને પાક પર જે જોખમ રહેલું છે તેના રક્ષણ માટે સરકારે યોગ્ય નીતિ બનાવવી જોઈએ.

અમે ખેડૂતોની વચ્ચે જઈને તેમને કાયદાકીય સમજ આપી છે, કંપનીઓના ગેરકાયદેસર કામો બંધ કરાવ્યા છે અને ’ચલો ગાંધીનગર’નું એલાન પણ આપ્યું, છતાં આ સરકાર અમારી વાત જરાય સાંભળતી નથી. તેથી, આ સરકારને સદ્દબુદ્ધિ મળે તે માટે હવે અમે આગામી 26 તારીખે વ્રજવાણીથી ધજા લઈને ભગવાન દ્વારકાધીશના શરણે જવાના છીએ અને એક ખેડૂત તરીકે ત્યાં જઈને અમારી ફરિયાદ કરીશું.

ખેડૂતોને વીજથાંભલા સામે બજાર ભાવે વળતર આપવું કે નહીં?!: સરકાર અવઢવમાં
રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેડૂતો દ્વારા તેમના ખાતરમાં હેવી વીજ લાઇન માટે નખાતા ટાવર મામલે કરેલો ઉગ્ર વિરોધ અને આંદોલન સરકાર માટે મૂંઝવણનો વિષય બન્યા છે. એકતરફ મોરબીના જેતપરમાં ખેડૂતો ઉપવાસ પર બેઠાં છે તો બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ખેડૂતોના આ મુદ્દાને સતત ઉછાળી રહ્યા છે ત્યારે સરકારમાં આ મુદ્દે ઉચ્ચ સ્તરે ચર્ચા શરૂૂ થઇ છે પણ ઉકેલ કેવી રીતે લાવવો તેની મડાગાંઠ પડી હોય તેવી સ્થિતિ છે. ખેડૂતોના મત મુજબ જંગી વીજ ટાવર જેટલી જગ્યા રોકે છે તેના કારણે ખેતરનો મોટો હિસ્સો નકામો બની જાય છે. ખેતર વેચવું હોય તો ભવિષ્યમાં તેની કિંમત પણ ઘટી જાય છે. જે નુકસાન થાય છે તેની સામે વીજ થાંભલા નાખવા બદલ કંપની જે વળતર આપે છે તે ઓછું છે. ખેડૂતોની માગણી જેટલી જમીન જાય તેની સામે બજાર ભાવે વળતરની છે. હાલ જંત્રી પ્રમાણે વળતર અપાય છે તે ઓછું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. આ મુદ્દે જ સરકાર નિર્ણય લઇ રહી નથી કારણકે જો બજાર ભાવે વળતર આપવાનો નિર્ણય લેવાય તો જંત્રીનો અર્થ રહેતો નથી. એટલું જ નહીં ભવિષ્યમાં ખાનગી કે સરકારી પ્રોજેક્ટ માટે જે જમીન સંપાદન કરાય તેમાં પણ બજાર ભાવે જ વળતર આપવાનો શિરસ્તો પડી શકે છે. 30 જૂને ફરી ખેડૂતોએ આંદોલનની ચીમકી આપી છે તે પૂર્વે સરકાર કોઇ રસ્તો શોધી શકે છે કે નહીં તેની ઉપર ઘણાની નજર છે.