ગુજરાત
રાજકોટના બન્ને તત્કાલીન મ્યુનિ.કમિશનરોને હાઈકોર્ટનું તેડું
હાઈકોર્ટની ફાયર NOCની ગાઈડલાઈનનું પાલન કર્યું હોવાનું સોગંદનામુ કર્યું છતાં ગેમઝોન દૂર્ઘટના કેમ સર્જાઈ?, અંગત સોગંદનામા રજૂ કરવા આદેશ
રાજકોટના ગોઝારા અગ્નિકાંડના સુઓમોટો કેસની આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરોને હાઈકોર્ટમાં અંગત સોગંદનામું રજુ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અગાઉ ફાયર એનઓસી મુદ્દે ગાઈડલાઈન આપી હતી. જેનું પાલન કરાયાનું સોગંદનામુ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સોગંદનામું કર્યુ હોવા છતાં ટીઆરપી ગેમઝોન ફાયર એનઓસી વગર કઈ રીતે ધમધમતું હતું અને તે કમિશનરના ધ્યાને હતું કે કેમ ? તે સહિતની બાબતે હાઈકોર્ટ તત્કાલીન કમિશનરોના સોગંદનામા માંગ્યા છે.
ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગ્રવાલની બેચમાં આજે ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. ગત સુનાવણીમાં રાજકોટ કોર્પોરેશન તરફથી રજુ કરાયેલ સોગંદનામુ હાઈકોર્ટે ફગાવ્યું હતું. બાદમાં આજે નવું સોગંદનામુ રજુ કરવામાં આવ્યુ હતું. આ સોગંદનામામાં પણ મ્યુનિ.કમિશનર આ ગોઝારી દુર્ઘટના સર્જાઈ તે ટીઆરપી ગેમઝોન મુદ્દે અજાણ હોવાનો પક્ષ રજુ કરાયો હતો. હાઈકોર્ટ દ્વારા અગાઉ ફાયર એનઓસીના પાલન મુદ્દે ગાઈડલાઈન બનાવવામાં આવી હતી અને આ ગાઈડલાઈનનું પાલન કર્યાનું રાજકોટ મ્યુનિ.કમિશનર સહિત રાજ્યની બધી મહાનગરપાલિકાના કમિશનરોએ એફીડેવીટ રજુ કર્યા હતાં. હાઈકોર્ટે ધારદાર સવાલ રજુ કર્યો હતો કે જો અમારી ગાઈડલાઈનનું પાલન કરાયું હોત તો આ ટીરઆરપી ગેમઝોન દુર્ઘટના સર્જાત નહીં. સરકાર પક્ષે પણ જણાવાયું હતું કે, મ્યુનિ.કમિશનરને જ્યાં સુધી ટીપી વિભાગ કે ફાયર વિભાગ જાણ ન કરે ત્યાં સુધી ગેમઝોનની કાયદેસરતા અંગે કેવી રીતે ખબર પડે ? પરંતુ હાઈકોર્ટમાં ફરિયાદી પક્ષે દલીલ બાદ મ્યુનિ.કમિશનરની ભુમિકા છે કે નહીં તે બાબતે ખુદ તેમનું જ એફીડેવીટ માંગી લેવાયું છે.
આજે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટીપ્પણી કરી હતી કે અત્યાર સુધી એક પણ વખત કમિશનરો દ્વારા માફી પણ માંગવામાં આવી નથી. ફકત સમગ્ર દુર્ઘટના બાબતે પોતાનો બચાવ જ રજુ કર્યો છે. અમારા આદેશનું પાલન કરવામાં કયાંકને કયાંક કચાસ રહી છે અને તે બાબતે હૃદયથી માફી માંગવી જોઈએ. હવે આ મામલે આગામી સુનાવણી તા.18 ઓકટોબરના રોજ હાથ ધરાશે.
સરકાર તરફે મ્યુનિ.કમિશનરના બચાવની અગાઉ વાઇરલ થયેલ તસવીરે જ પોલ ખોલી
આજે સુનાવણી દરમિયાન સરકાર પક્ષે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ મ્યુનિ.કમિશનરોનો બચાવ રજુ કર્યેા હતો કે, મ્યુનિ.કમિશનર જે તે સમયે ટીઆરપી ગેમઝોનમાં કોઈ ફંકશન દરમિયાન ગયા ત્યારે કોઈ આવું વધારાના બાંધકામ બાબતે તેમની પાસે માહિતી જ નહોતી. જે પણ બાંધકામ છે તે પછી કરાયું છે. પરંતુ બચાવ પક્ષે એડવોકેટ અમીત પંચાલ દ્વારા હાઈકોર્ટમાં અગાઉ વાયરલ થયેલ તસવીર રજુ કરાઈ હતી અને બતાવ્યું હતું કે આ ફોટામાં ઉપર જમણી બાજુ વધારાના શેડમાં પહેલા માળનું બાંધકામ તસ્વીરમાં જ દેખાઈ છે. જેથી સરકાર પક્ષે જે બચાવ રજુ કર્યો છે તે માન્ય ગણાય નહીં. અગાઉ વાયરલ થયેલ તસવીર હવે એક અગત્યનો પુરાવો બની ગઈ છે. જેના આધારે મ્યુનિ.કમિશનરોને આ ઘટનામાં તેમની ભુમિકાને લઈને અંગત સોગંદનામુ કરવા જણાવાયું છે.