શહેરના કેનાલ રોડ ઉપરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગેરકાયદેસર ઓનલાઇન જુગાર અને સટ્ટાબાજીનું નેટવર્ક ચાલવતા બુકીની ધરપકડ કરી તપાસ કરતા માસ્ટર આઈડી આપનાર સહીત ચારના નામ ખુલ્યા છે.
મળતી વિગતો મુજબ શહેરના કેનાલ રોડ પર સ્થિત કનૈયા હોટલ વાળી શેરીમાં પોલીસ પેટ્રોલીંગ દરમિયાન ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ એસ.વી.ચુડાસમા અને તેમની ટીમને શંકાસ્પદ શખ્સ મળી આવ્યો હતો. તપાસમાં આ શખ્સ ધવલભાઇ અતુલભાઇ રાજાણી હોવાનું અને તે પોતાના મોબાઇલ ફોન દ્વારા આઇ.પી.એલ. ક્રિકેટ મેચ અને કેસીનો ગેમ્સ પર ઓનલાઇન હાર-જીતનો જુગાર રમી રહ્યો હતો. તપાસ કરતા તેના સેમસંગ ફોલ્ડ મોબાઇલમાં ALLPANEL777.NOW અને BLIND247.COM નામની એપ્લિકેશન્સ મળી આવી હતી. આ એપ્લિકેશન્સમાં લાખોના પોઈન્ટ્સ સાથેની માસ્ટર આઈડી અને અનેક યુઝર આઈડી સક્રિય જોવા મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ સટ્ટાબાજીનું મુખ્ય નેટવર્ક અમદાવાદ અને રાજકોટ વચ્ચે ફેલાયેલું હતું. મુખ્ય આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે આ માસ્ટર આઈડી અમદાવાદના આનંદભાઈ ચંધુભાઈ અમરેલીયા પાસેથી મેળવી હતી. ત્યારબાદ તેણે રાજકોટના અન્ય ત્રણ શખ્સો – રવિ, અર્જુન રાજેશભાઇ પોપટ અને ભાવેશભાઇ પોપટને સબ-આઈડી આપીને જુગાર રમાડવામાં મદદગારી કરી હતી.
ક્રાઈમ બ્રાંચની ટીમે સેમસંગનો મોબાઈલ સહીત રૂૂ.25,000નો મુદામાલ કબજે કર્યો હતો. હાલમાં મુખ્ય આરોપી ધવલ રાજાણીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અમદાવાદ અને રાજકોટના અન્ય ચાર આરોપીઓને પકડવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવની સુચનાથી પીએસઆઈ એસ.વી. ચુડાસમા અને તેમની ટીમના એ.એસ.આઇ. યશવંતભાઇ ભગત, કરણભાઇ કોઠીવાળ, કિશનભાઇ પાંભર , અરવિંદકુમાર ફતેપરા , સંજયભાઇ અલગોતર , મહાવીરસિંહ જાડેજા , પોપટભાઇ ગમારા એ કામગીરી કરી હતી.
