જામનગર-ભાવનગર સહિત 4 મહાપાલિકા અને સ્કૂલમાં બોંબની ધમકી

ગુજરાતમાં ઈમેઈલ દ્વારા બોંબની ધમકી આપી ડર ફેલાવવાનો સીલ સીલો યથાવત રહ્યો છે. આજે ભાવનગર-જામનગર-વડોદરા અને સુરત મહાનગરપાલિકા તથા વડોદરાની નવરચના સ્કૂલમાં બોંબ મુકાયાના ધમકી…

ગુજરાતમાં ઈમેઈલ દ્વારા બોંબની ધમકી આપી ડર ફેલાવવાનો સીલ સીલો યથાવત રહ્યો છે. આજે ભાવનગર-જામનગર-વડોદરા અને સુરત મહાનગરપાલિકા તથા વડોદરાની નવરચના સ્કૂલમાં બોંબ મુકાયાના ધમકી ભર્યા ઈ મેઈલ મળતા ભારે દોડધામ મચી જવા પામી હતી. પોલીસ અને ડોગ સ્કવોડે ચારેય મહાનગરપાલિકા તથા સ્કૂલ ખાલી કરાવી ઘનિષ્ટ તપાસ કરી હતી. જો કે, કોઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળતા અને ધમકી પોકળ ઠરતાં સૌએ રાહતનો દમ લીધો હતો.

કેનેડામાં ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની ગત તા.18-6-23નાં રોજ હત્યા કરવામાં આવી હતી તેની હત્યાનો બદલો લેવા માટે ખાલિસ્તાની નેશનલ આર્મીના એન્જિનિયર ગુરનસિંહ અને ડો.ગુરનીરવેરસિંહના નામે આ ધમકીના ઈ મેઈલ કરવામાં આવ્યા હતાં. જો કે, ધમકી સદંતર પોકળ સાબિત થઈ હતી.

જામનગર
જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં બોમ્બ મુક્યાની ધમકી આપતો ઈ-મેલ મળ્યા બાદ સર્જાયેલી દોડધામનો અંતે સુખદ અંત આવ્યો છે. વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા કલાકો સુધી ચાલેલી સઘન તપાસ બાદ સમગ્ર મહાનગરપાલિકા બિલ્ડિંગ અને આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
ધમકીભર્યો ઈ-મેલ મળતા જ મહાનગરપાલિકા તંત્ર અને પોલીસ વિભાગ સતર્ક બન્યા હતા. સાવચેતીના ભાગરૂૂપે કચેરીને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને તમામ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મુલાકાતીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર વિસ્તારને પોલીસ બંદોબસ્ત હેઠળ લઈ લેવાયો હતો અને મુખ્ય પ્રવેશદ્વાર સહિતના તમામ માર્ગો પર અવરજવર રોકી દેવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, સ્થાનિક ગુના શાખા (એલસીબી), વિશેષ કામગીરી જૂથ (એસઓજી) તેમજ સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. સુરક્ષા એજન્સીઓએ મહાનગરપાલિકાના દરેક માળ, કચેરીઓ, બેઠકખંડો, રેકોર્ડ રૂૂમ, પાર્કિંગ વિસ્તાર અને આસપાસના પરિસરમાં અત્યંત ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી.

લાંબા સમય સુધી ચાલેલી તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ, વિસ્ફોટક સામગ્રી કે જોખમી પદાર્થ મળી આવ્યો નહોતો. ત્યારબાદ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર બિલ્ડિંગને સંપૂર્ણ સુરક્ષિત જાહેર કરી હતી.

ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરના ઓફિશિયલ ઈમેઈલ આઈડી પર એક સનસનાટીભર્યો ધમકીભર્યો મેસેજ મળતાં સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. કથિત ખાલિસ્તાની તત્વો દ્વારા મોકલવામાં આવેલા આ ઈમેઈલમાં ભાવનગર મહાપાલિકાની મેયર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ગર્ભિત ધમકી આપવામાં આવી છે. મળતી વિગતો મુજબ આ ઈમેઈલમાં બપોરે 3:11 મિનિટે બોમ્બ બ્લાસ્ટ કરવાની વાત ઉલ્લેખવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (ઇઉજ) અને ડોગ સ્ક્વોડ સાથે મહાપાલિકા કચેરી ખાતે દોડી ગયા છે અને સમગ્ર બિલ્ડિંગમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ સાથે જ સાયબર ક્રાઈમની ટીમ પણ આ ઈમેઈલ ક્યાંથી અને કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેની ટેકનિકલ તપાસમાં જોતરાઈ છે.