રાજકોટ ગોંડલ હાઇવે પર આવેલા શાપર-વેરાવળમાં વૃધ્ધને મહિલા સહિત ત્રણ શખ્સોએ માર મારી ટ્રક સાથે માથુ ભટકાતા તેમને ઇજા ગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અગાઉ આરોપીઓ મોબાઇલ લઇ ગયા હોય તે બાબતે ‘અમારુ ખોટુ નામ કેમ આપો છો’તેમ કહી માર માર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ શાપર-વેરાવળમાં આંબેડકરનગરમાં રહેતા રામજીભાઇ ટપુભાઇ વણકર (ઉ.વ.70)નામના વૃધ્ધ ગઇકાલે રાત્રે 10 વાગ્યે ભૂમિ ગેઇટ પાસે શાકભાજી લેવા ગયા હતા. ત્યારે કાનો, વિજય અને અજાણી મહિલાએ ઢીકા-પાટુનો માર મારી ટ્રક સાથે માથુ ભટકાડતા તેમને ઇજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલના બીછાનેથી વૃધ્ધે જણાવ્યા મુજબ અગાઉ બંન્ને આરોપી તેની મોબાઇલ લઇ ગયા હોય. જે બાબતે ગઇકાલે આરોપીઓએ ઝઘડો કરી ‘તમે અમારુ ખોટુ નામ કેમ આપો છો’તેમ કહી માર માર્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી શાપર પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
