Site icon Gujarat Mirror

મોરબી નજીક તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ ટીમે બે અલગ-અલગ સ્થળે જઈને કામગીરી કરી હતી. એકતરફ આગને બુઝાવવા માટે ફાયર ફાઈટરોએ જહેમત ઉઠાવી હતી, તો બીજીતરફ જળશયમાંથી મૃતદેહ બહાર કાઢીને પોલીસને સોંપવાની કામગીરી પણ પાર પાડી હતી.

આગની ઘટનાની વિગત મુજબ, શનાળા રોડ નજીક આવેલી એક ખુલ્લી જગ્યામાં કચરાના મોટા ઢગલામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી કાબૂમાં લીધી હતી.

બીજી તરફ, મોરબી ફાયરની ટીમે ધુંવા ચોકડી પાસે રાણેકપર નજીક આવેલા તળાવમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તળાવના પાણીમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ફાયરના જવાનોએ તેને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો. આ મૃતદેહને વાંકાનેર પોલીસની હાજરીમાં વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અને ઓળખ વિધિ માટે ખસેડવામાં આવ્યો છે. હાલમાં મૃતકની વિગત મેળવવા પોલીસ તપાસ ચલાવી રહી છે.

Exit mobile version