મૂળીના દાલવડાના લાપતા યુવકનો ખોડુ ગામે તળાવમાંથી મૃતદેહ મળ્યો; હત્યાની આશંકા

મુળી તાલુકાના દાલવડા ગામે રહેતા રમેશભાઈ મોહનભાઈ પારઘી નામના 36 વર્ષના યુવકનો મુળીના ખોડુ ગામે આવેલા તળાવમાંથી સાતેક વાગ્યાના અરસામાં મૃતદેહ મળી આવતાં પોલીસ કાફલો…

મુળી તાલુકાના દાલવડા ગામે રહેતા રમેશભાઈ મોહનભાઈ પારઘી નામના 36 વર્ષના યુવકનો મુળીના ખોડુ ગામે આવેલા તળાવમાંથી સાતેક વાગ્યાના અરસામાં મૃતદેહ મળી આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. યુવકની હત્યા થયાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવતાં યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન બે ભાઈ ચાર બહેનમાં નાનો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. રમેશ પારઘી સેન્ટીંગ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રમેશ પારઘીએ ધોરી ગામના શખ્સને રૂા.7 થી 8 લાખ આપ્યા હતાં. તેની ઉઘરાણી કરતાં ધોરી ગામના શખ્સે મારી નાખવાની ધમકી આપ્યા બાદ રમેશ પારઘી ગત તા.26નાં રોજ કામ પર જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ લાપત્તા થયો હતો. જે અંગે પોલીસમાં ગુમસુદા નોંધાવી હતી. પરિવાર અને પોલીસની શોધખોળ દરમિયાન રમેશ પારઘીનું ખોડુ ગામના તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મોબાઈલ પર જાનથી મારી નાખવાની ધમકી આપનાર ધોરી ગામના શખ્સે હત્યા કર્યાનો પરિવારજનોએ આક્ષેપ કરતાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.