મંદિર પરિસરમાં રંગોની બોછાર વચ્ચે હૈયે હૈયું દળાય તેટલી મેદની
સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં હોળી અને ધુળેટીના ફુલડોલ ઉત્સવની ભારે ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લાખો ભાવિકો ઉમટી પડ્યા હતાં. અને મંદિર પરિસરમાં બે દિવસ હૈયે હૈયુ દળાય તેવી સ્થિતિ જોવા મળી હતી.
જયોતિષ શાસ્ત્ર મુજબ આ વર્ષે આગળ માસની પૂર્ણિમાની તિથિ તા. 13 મી માર્ચે સવારે 10:35 થી 14 માર્ચે રાત્રે 12:23 સુધી હોય, હિન્દુ પરંપરા અનુસાર તેમજ દ્વારકાધીશ જગતમંદિરમાં પણ ઉદયા તિથિ અનુસાર ઉત્સવની સામાન્યત: ઉજવણીમાં શુક્રવારે પૂર્ણિમા પર્વ ઉજવાયો હતો.
સવારે 6 વાગ્યે મંગલા આરતી યોજાઈ હતી. ત્યારે બાદ બપોરે 1 વાગ્યા સુધી ઠાકોરજીનો ક્રમ જળવાયો હતો. આ ઉપરાંત બપોરે 1:30 વાગ્યે કુલડોલ પર્વની ઉત્સવ આરતી યોજાયા બાદ ભાવિકો ઠાકોરજી સંગ બપોરે 2:30 વાગ્યા સુધી ફુલડોલ ઉત્સવ મનાવવા પગપાળા તથા અન્ય માર્ગોથી દ્વારકા પધારેલ હજારો ભાવિકો ઠાકોરજી સન્મુખ અબીલ ગુલાલથી ફુલડોલ પર્વની ઉજવણી કરી હતી.દ્વારકા તેમજ બેટ દ્વારકામાં ફુલડોલ ઉત્સવમાં લાખો ભાવિકો દર્શનાર્થે આવ્યા હોય તેમની સુરક્ષા અને સલામતી અને સગવડતા કાજે વહીવટી તંત્રે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો. આ દરમ્યાન મંદિરના ફુલડોલ ઉત્સવમાં ભાવિકોના ઘોડાપુર તેમજ પેનોરેમીક વ્યુ સાથેના આકર્ષક અવકાશી ડ્રોન વ્યુ ખૂબ જ દર્શનીય બની રહ્યા હતા.આ પૂર્વે સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં ગુરુવારે હોળી પર્વ નિમિત્તે રાત્રિના સમયે પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ, ભક્તોએ પૂજન તથા દર્શનનો લાભ લીધો હતો.

