દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રતિષ્ઠાભરી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ગઈકાલે મંગળવારે મત ગણતરીના અંતે જિલ્લા પંચાયતની કુલ 22 બેઠક પૈકી 18 બેઠક પર ભાજપનો કબજો રહ્યો હતો. જ્યારે કોંગ્રેસને ત્રણ બેઠક તેમજ આમ આદમી પાર્ટીને માત્ર એક બેઠક સાંપળી છે. જામનગર જિલ્લામાંથી અલગ થયેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાને આશરે 13 વર્ષ જેટલો સમય થયો છે. ત્યારે અલગ જિલ્લાના પ્રારંભથી અસ્તિત્વમાં આવેલી જિલ્લા પંચાયતમાં મહદ અંશે સભ્યોની પાતળી સરસાઈના કારણે સખળ-ડખળ એવી પરિસ્થિતિ રહી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણમાં મહત્વની એવી જિલ્લા પંચાયતમાં આ વખતે ચૂંટણી પ્રક્રિયાના પ્રારંભથી ત્રિપાંખિયા જંગ જેવી પરિસ્થિતિ જોવા મળી હતી.
જેમાં ભાજપ સાથે કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ત્યારે કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીના ઘણા સમય અગાઉથી જ ગ્રાઉન્ડ લેવલ પર ઉમેદવારોની પ્રાથમિક નિયુક્તિ અને સ્થાનિક સ્તરે લોક સંપર્ક સહિતના પગલાંઓ લઈ સત્તા કબજે કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે જાહેર થયેલી ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા તમામ પાસાઓ વિચારવામાં આવ્યા હતા. આટલું જ નહીં, ઉમેદવારોના નામ જાહેર થયા પછી પણ ફોર્મ ભરવા પૂર્વે છેલ્લી ઘડીના પણ ફેરફારો કરાયા હતા.
રવિવાર તા. 26 એપ્રિલના રોજ જિલ્લા પંચાયત માટે હાથ ધરવામાં આવેલી મતદાન પ્રક્રિયામાં કુલ 64.04 ટકા મતદાન થયું હતું. જેમાં ગઈકાલે સવારથી સ્થાનિક સ્તરે હાથ ધરવામાં આવેલી મત ગણતરી પ્રક્રિયામાં અંતે કુલ 22 પૈકી 18 બેઠક ભારતીય જનતા પાર્ટીને, ત્રણ બેઠક કોંગ્રેસને અને એક બેઠક આમ આદમી પાર્ટીને ફાળે જવા પામી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં સૌથી વધુ રસાકસીભરી અને પ્રતિષ્ઠાભરી કહી શકાય તેવી ખંભાળિયા તાલુકાની વાડીનાર બેઠક પર ભાજપ સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ખૂબ જ અનુભવી અને સક્ષમ ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા હતા. અહીં જિલ્લામાં સૌથી વધુ મતદાન પણ થયું હતું.
ભાજપ દ્વારા ક્રિપાલસિંહ નવલસિંહ જાડેજા, કોંગ્રેસ દ્વારા લગધીરસિંહ હનુભા જાડેજા અને આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયતના ભાજપના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ બહાદુરસિંહ વાઢેરને ઉતારવામાં આવ્યા હતા. ત્યારે ખાનગી કંપનીઓના વિસ્તારમાં આવતા વાડીનાર પંથકમાં ભર્યા નાળિયેર જેવી સ્થિતિ વચ્ચે અહીં ભાજપના ઉમેદવાર આ બેઠક કબજે કરવામાં સફળ રહ્યા છે.આ વચ્ચે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતમાં ગત વર્ષે 22 પૈકી 12 અને વર્ષ 2016 ની ચૂંટણીમાં 11 બેઠક ભાજપને મળી હતી.
ત્યારે અગાઉના તમામ રેકોર્ડ તોડીને આ વખતે ભાજપને ઐતિહાસિક એવી 18 બેઠક સાંપળી છે. જેમાં ખંભાળિયા તાલુકામાં જિલ્લા પંચાયતની આઠમાંથી આઠ, ભાણવડમાં ચારમાંથી ચાર, દ્વારકામાં ત્રણમાંથી ત્રણ, જ્યારે કલ્યાણપુરમાં સાતમાંથી ત્રણ બેઠક ભાજપને ફાળે જવા પામી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં નોંધપાત્ર અને તોતિંગ બહુમતી માટે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રી રાજુભાઈ ભરવાડ, યુવરાજસિંહ વાઢેર અને પરબતભાઈ ભાદરકાની ટીમ દ્વારા સતત જાગૃત રહી અને ઉમેદવારો તેમજ કાર્યકરોને જરૂૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેના ફળ સ્વરૂૂપે પ્રથમ વખત 22 પૈકી 18 બેઠકોની આ સિદ્ધિ સાંપડી છે. આ સમગ્ર પ્રક્રિયા માટે ભાજપનું સંગઠન મજબૂત પુરવાર થયું છે.
